નવી દિલ્હી: સપ્ટેમ્બર 19થી શરૂ થઇ રહેલી IPL માં ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકોને વધુ એક ઝટકો લાગ્યો છે. સુરેશ રૈના બાદ હરભજન સિંહ પણ ટીમમાંથી બહાર થયો છે.

IPL 2020 શરૂ થાય તે પહેલાથી જ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સતત ચર્ચામાં છે. સૌથી પહેલા આ ટીમના બે ખેલાડીઓ સહિત 13 સ્ટાફ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. ત્યાર પછી આ ટીમના અનુભવી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બીજા બેટ્સમેન રૈનાએ પણ અચાનક આ સીઝનમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. હવે રિપોર્ટમાં સામે આવ્યું છે કે હરભજન સિંહ પણ આઈપીએલમાંથી બહાર થયો છે.

સીએસકેનો અનુભવી ખેલાડી ઓફ સ્પિનર હરભજન સિંહ પણ હવે થોડા દિવસ પછી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગથી બહાર થઇ ગયો છે. હરભજન સિંહે આ બાબતે જાણકારી આજે CSK મેનેજમેન્ટને આપી છે. જે ચેન્નઈની ટીમ માટે એક મોટો ઝટકો છે. ગયા વર્ષે IPLમાં હરભજન સિંહ 16 વિકેટ ઝડપીને સફળ બોલરોની યાદીમાં સામેલ થયો હતો. IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ભજ્જી ત્રીજા નંબરે છે.

હરભજન સિંહે હજુ સુધી IPL ન રમવાને લઇ કોઇ ઓફિશ્યલ જાહેરાત કરી નથી પણ તેમના નજીકના સૂત્રો અનુસાર પારિવારિક કારણોને લઇ ભજ્જીએ ટૂર્નામેન્ટ ન રમવાનો નિર્ણય લીધો છે. આવતા અઠવાડિયે તેઓ ઓફિશ્યલી જાહેરાત કરી શકે છે. 2 કરોડમાં IPLની ફ્રેન્ચાઈઝી સાથે ભજ્જીનો કરાર થયો હતો.