નવી દિલ્હીઃ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલની આજે બેઠક યોજાઈ હતી. BCCIના જણાવ્યા મુજબ IPL માટે ભારત સરકારે મંજૂરી આપી દીધી છે. આઈપીએલનું શિડ્યૂલ નક્કી થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે UAEમાં રમાશે. મેચ સાજે 7.30 કલાકે શરૂ થશે.

ભારત સરકારે 104 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આ વખતે ટુર્નામેન્ટમાં ચાઈનીઝ કંપનીઓ સહિત આઈપીએલના તમામ સ્પોન્સર પણ જળવાઈ રહેશે. એટલે કે આ વખતે પણ મુખ્ય સ્પોન્સર ચાઈનીઝ કંપની વીવો જ રહેશે.



ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતાં BCCIના અધિકારીએ જણાવ્યું, ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરે શરૂ થઈને 53 દિવસ સુધી ચાલશે. ફાઈનલ 10 નવેમ્બરે રમાશે, જેનાથી પ્રસારણકર્તાને દિવાળી સપ્તાહનો લાભ મળશે. 10 ડબલ હેડર (દિવસમાં બે મેચ)નું પણ પ્લાનિંગ છે. ખેલાડીઓએ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું પડશે.

અધિકારીએ કહ્યું, પ્રથમ વખત આઈપીએલ ફાઈનલ વીકેન્ડમાં નહીં પણ વીક ડેમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકથી મેચ શરૂ થશે. સામાન્ય રીતે આઈપીએલની રાત્રિ મેચો 8 વાગ્યાથી શરૂ થતી હોય છે પરંતુ આ વખતે અડધો કલાક વહેલા શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત બીસીસીઆઈએ મહિલાઓની આઈપીએલ પણ યોજાશે તેમ જણાવ્યું હતું. IPLમાં કોવિડ-19 રિપ્લેસમેન્ટ કરી શકાશે તેમ પણ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નક્કી થયું હતું.