મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની તારીખ આગળ લંબાવ્યા બાદ બીસીસીઆઈ મેચોની સંખ્યા ઘટાડાવા વિચારી શકે છે. શનિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગમાં BCCIએ આઈપીએલ ટીમોના માલિકો સાથે મેચોની સંખ્યા ઘટાડવા પર ચર્ચા કરી છે. આ પહેલા બીસીસીઆઈએ શુક્રવારે આઈપીએલને 29 માર્ચથી 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધી છે. ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની વન ડે સીરિઝ પણ રદ્દ કરી દેવામાં આવી હતી.


બીસીસીઆઈના સૂત્રએ બેઠક બાદ કહ્યું, ટીમ માલિકો અને બીસીસીઆઈ વચ્ચે બેઠક દરમિયાન છ થી સાત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આઈપીએલ મેચમાં ઘટાડો કરવો પણ સામેલ હતો. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે અને 80થી વધારે લોકોમાં ચેપ જોવા મળ્યો છે. જે બાદ સરકારે ભીડથી બચવા માટે સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ દર્શકો માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.


સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, બેઠકમાં ટૂર્નામેન્ટને વિદેશમાં આયોજિત કરવા પર ચર્ચા નથી થઈ. કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ કહ્યું, બીસીસીઆઈ, આઈપીએલ અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે સ્પષ્ટ કર્યુ છે કે અમે નાણાકીય નુકસાન અંગે વિચારી રહ્યા નથી.


રાજ્ય સરકારોએ વધારી મુશ્કેલી

બીસીસીઆઈની મુશ્કેલી દિલ્હી સરકાર અને મહારાષ્ટ્ર સરકારે વધારી છે. દિલ્હી સરકારે આઈપીએલ મેચોના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યમાં આઈપીએલની ટિકિટોના વેચાણ પર રોક લગાવી ચુકી છે. કર્ણાટક સરકાર પણ રાજ્યમાં આઈપીએલ મેચો પર બેન લગાવવા વિચાર કરી રહી છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આઈપીએલની વર્તમાન સિઝન મેદાન પર દર્શકો વગર આયોજિત કરવામાં આવી શકે છે.