દુબઈઃ આઈપીએલ 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ભુવનેશ્વરના સ્થાને 22 વર્ષીય પૃથ્વી રાજ યારાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડાબોડી ફાસ્ટ બોલર પૃથ્વી રાજ અત્યાર સુધીમાં 11 ફર્સ્ટ ક્લાસ મેચ, નવ લિસ્ટ-એ મેચ અને ત્રણ ટી20 રમ્યો છે. ફર્સ્ટક્લાસ કરિયરમાં પૃથ્વીએ 39 વિકેટ લીધી છે, જ્યારે ટી20 ક્રિકેટમાં ચાર વિકેટ ઝડપી છે. ગત વર્ષે આઈપીએલ ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સે તેને ટીમમાં સામેલ કર્યો હતો.

પૃથ્વીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તમિલનાડુ સામે 2017-18માં યાદગાર ડેબ્યૂ કર્યુ હતું. પોતાની લાઇન લેંથ અને સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા હતા અને છ વિકેટ ઝડપી હતી. પૃથ્વી રાજે આંધ્રપ્રદેશનું જૂનિયર લેવલે પ્રતિનિધિત્વ કર્યુ છે. ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં તેની વિકેટ લેવાની ખાસિયત બધાથી અલગ બનાવે છે. પેસની સાથે તેની પાસે વિવિધતા છે, જે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેનું મુખ્ય હથિયાર છે.



આઈપીએલમાં પણ પૃથ્વીનું ડ્રીમ ડેબ્યૂ રહ્યું છે. કેકેઆર તરફથી તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. આ મેચમાં તેણે ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન જોની બેયરસ્ટોની વિકેટ લેવા સુધી પહોંચી ગયો હતો પરંતુ કરિયપ્પાએ તેનો કેચ છોડ્યો હતો. જે બાદ તેણે હાર ન માની અને તે મેચમાં નવા સ્પેલમાં હૈદરાબાદના કેપ્ટન વોર્નરની કિંમતી વિકેટ ઝડપી હતી. જે બાદ તેને આગામી થોડી મેચોમાં મોકો મળ્યો નહોતો. રાજસ્થાન સામેની મેચમાં તેને તક આપવામાં આવી ત્યારે બે ઓવરમાં 28 રન આપ્યા હતા અને વિકેટ લઈ શક્યો નહોતો.

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ