નવી દિલ્હીઃ આઈપીએલની આગામી સીઝનનું પ્રસારણ રાત્રે આઠ કલાકની જગ્યાએ સાત કલાકને 30 મિનિટ શરૂ થવાને લઈને સોમવારે આઇપીએલ સંચાલન પરિષદની બેઠકમાં ચર્ચા થશે.

સોમવારે મળનારી બેઠક દરમિયાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સહિત બીસીસીઆઈના ટોચના પદાધિકારીઓની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ને પણ અંતિમ રૂપ આપવાની આશા છે જે રાષ્ટ્રીય પસંદગી પેનલના ઉમેદવારનો ઇન્ટરવ્યૂ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગૌતમ ગંભીર અને સુલક્ષમા નાઇકને લોઢા સમિતિની ભલામણો અનુસાર સીએસીમાં સ્થાન મળે એવી શક્યતા નથી. ગંભીરે 2018-19માં નિવૃત્તી લીધી હતી અને હાલમાં તે સાંસદ છે. નાઇકે પણ 2018-19માં ઘરેલૂ ક્રિકેટ રમી અને સીએસીનો સભ્ય બનવા માટે સક્રિય ક્રિકેટમાંથી ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાં નિવૃત્તી લેવી જરૂરી છે.

પૂર્વ ટેસ્ટ બેટ્સમેન બ્રિજેશ પટેલની આગેવાનીમાં આઇપીએલ સંચાલન પરિષદની બીજી બેઠક થશે જેમાં 2020ના સત્રના કાર્યક્રમને અંતિમ રૂપ આપવાની આશા છે. લોઢા સમિતિની ભલામણ અનુસાર આઇપીએલ ફાઇનલ અને ભારતના આગામી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ વચ્ચે 15 દિવસનું અંતર હોવુ જરૂરી છે.

બીસીસીઆઇના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું કે, બ્રોડકાસ્ટર ઈચ્છે છે કે મેચ વહેલી શરૂ થાય અને વીકેન્ડમાં બે મેચ રાખવામાં ન આવે. આ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. સંચાલન પરિષદની બેઠકમાં પૂર્ણ કાર્યક્રમ પર ચર્ચા થવાની સંભાવના છે.