નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમયર લીગ 2020નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કોરોના મહામારી કારણે આ વખતે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરે સુધી યૂએઈમાં રમાવાની છે. કુલ 60 મેચો રમાશે. જેમાંથી લીગ રાઉન્ડમાં રમાનારી 56 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.


આઈપીએલ 2020નો પ્રથમ મુકાબલો ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. લીગ મેચનો અંતિમ મુકાબલો શારજહામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3 નવેમ્બરના રોજ રમાશે.

કોરોના સંકટના કારણે આ વખતે આઈપીએલ બાયો સિક્યોર માહોલમાં યોજાશે. 53 દિવસમાં તમામ 8 ટીમો 14-14 મેચો રમશે. એક એલિમિનેટર, બે ક્વાલિફાયર અને ફાઈનલ સહિત આઈપીએલમાં કુલ 60 મેચ રમાશે.