IPL 2020 :  આઈપીએલ એલિમિનેટરમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો વિરાટ કોહલીની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. ટૂર્નામેન્ટમાં ધીમી શરુઆત બાદ બીજા તબક્કામાં દમદાર પ્રદર્શન કરીને સનરાઈઝર્સે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી પ્લેઓફમાં જગ્યા બનાવી છે. આરસીબી સતત ચાર મેચ હારીને પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે પહોંચી. જ્યારે સનરાઈઝર્સે જીતની હેટ્રિક લગાવીને. આ મેચમાં કેપ્ટન કોહલી એક મોટી ઈનિંગ રમશે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે.


300 સિક્સનો રેકોર્ડ

વિરાટ કોહલી ટી-20 ક્રિકેટમાં 300 સિક્સ પૂરા કરવા માટે માત્ર ત્રણ પગલા દૂર છે. ટી20 ક્રિકેટમાં કોહલીએ 295 મેચોમાં 9360 રન બનાવ્યા છે. તેણે પાંચ સદી અને 67 ફિફ્ટી નોંધાવી છે. તેના નામે 297 સિક્સ પણ નોંધાયેલા છે. ભારત તરફથી ટી20માં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 338 મેચમાં 376 સિક્સ નોંધાવી છે. તે સિવાય બીજા નંબરે 311 સિક્સ સાથે સુરેશ રૈના છે અને બાદમાં મહેન્દ્રસિંહ ધોની. ધોનીએ 302 સિક્સ ફટકારી છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેમણે હજારથી વધુ સિક્સ ફટકારી છે.

આઈપીએલમાં 500 રન પૂરા કરવાની તક

આઈપીએલ 2020માં વિરાટ કોહલી 14 મેચમાં ત્રણ અડધી સદીની મદદથી 460 રન બનાવી ચૂક્યો છે. સૌથી વધુ રન બનાવનારની યાદીમાં કોહલી 8માં ક્રમે છે. જો હૈદરાબાદ સામે કોહલી 40 રન બનાવશે તો આ આઈપીએલમાં તે 500 રન પૂરા કરી લેશે. અને આવું છઠ્ઠી વખત આઈપીએલ ઇતિહાસમાં થશે જ્યારે કોહલી એક સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવશે. આઈપીએલના ઈતિહાસમાં ડેવિડ વોર્નર એક માત્ર એવો ખેલાડી છે જેણે 6 વખત 500 કે તેથી વધુ રન બનાવ્યા છે.