નવી દિલ્હીઃ મહિનાઓની અનિશ્ચિતતા બાદ આઈપીએલની 13મી સીઝન આજથી યૂએઈમાં શરૂ થઈ રહી છે. આઈપીએલ ઈતિહાસમાં બે સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં આજે એક બીજા સામે હશે. બન્ને ટીમ વિજયથી શરૂઆત કરવા માગતી હશે પરંતુ બન્ને માટે રસ્તો એટલો સરળ નથી.


IPL 2020માં અનેક ચીજો નવી હશે અને તેમાં એક સ્પોર્ટરાડારની સેવા પણ છે. બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન સટ્ટાબાજી સાથે સંકળાયેલી માહિતીની ભાળ મેળવવા સ્પોર્ટરાડારની સેવા લેશે.

સ્પોર્ટરાડાર બીસીસીઆઈને સટ્ટાબાજીને લઈ માહિતી આપશે. ઉપરાંત જરૂર પડવા પર ગુપ્ત તથા અન્ય માહિતીની બોર્ડ જરૂર પડે તો ઉપયોગ કરી શકશે. આંતરરાષ્ટ્રીય ફર્મ ઉન્નત ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરશે અને લીગની અખંડતાની રક્ષા માટે સટ્ટાબાજી પર નજર રાખશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 28 મુકાબલા રમાયા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 17 જીત મેળવી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ 11 વખત વિજેતા બન્યું છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે એક પણ વખત ચેન્નઈને જીતવા દીધું નથી. ફાઈનલમાં આ બંને ટીમો વચ્ચે ત્રણ વખત ટક્કર થઈ છે. જેમાં બે વખત મુંબઈ અને એક વખત ચેન્નઈ વિજેતા બન્યું છે.

મેચ આજથી અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 7-30 કલાકે શરૂ થશે. કોરોનાને કારણે જોકે આ વખતે આઈપીએલ દર્શકો વગર જ ખાલી સ્ટેડિયમમાં રમાશે. દર્શક હંમેશાથી આઈપીએલનો સૌથી મહત્ત્વનો ભાગ રહ્યા છે એવામાં તેમના વગર આઈપીએલ રમવી અને ટીવી પર જોવું થોડું અજીબ તો જરૂર હશે. જોકે ટીવી પર તેને કોરોડ લોકો દ્વારા જોવાની આશા છે.