અબુ ધાબીઃ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 42મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયો હતો. મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. નીતીશ રાણાએ 53 બોલમાં 81 રન અને સુનીલ નરેને 32 બોલમાં 64 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી સ્ટોયનિસ, રબાડા અને નોર્તજેને 2-2 સફળતા મળતી હતી.

મેચ જીતવા 195 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 135 રન બનાવી શકતા કોલકાતાનો 59 રનથી શાનદાર વિજય થયો હતો. વિજય સાથે કોલકાતા ટોપ-4માં જળવાઈ રહ્યું છે. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ લીધી હતી. આ સાથે તેણે આઈપીએલમાં અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આઈપીએલની ચાલુ સીઝનમાં તે 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો હતો.



વરૂણ ચક્રવર્તીએ રિષભ પંત, શિમરોન હેટમાયર, શ્રેયસ ઐયર, માર્કસ સ્ટોયનિસ અને અક્ષર પટેલની વિકેટ લઇ આ કારનામું કર્યુ હતું. આ ઉપરાંત આઈપીએલના ઈતિહાસમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી પાંચ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર છે. તે આઈપીએલમાં કોલકાતા તરફથી સૌથી ઓછા રનમાં 5 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે.  સુનીલ નારાયણે 2012માં 19 રનમાં 5 વિકેટ લીધી હતી. આ ઉપરાંત આઈપીએલમાં અનકેપ્ડ પ્લેયર દ્વારા કરવામાં આવેલી બીજી શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

IPL 2020: સસરાના નિધનના એક દિવસ બાદ જ કોલકાતાના આ ખેલાડીએ રમી આક્રમક ઈનિંગ, મેદાન વચ્ચે જર્સી બતાવીને કર્યુ આમ, જુઓ વીડિયો