નવી દિલ્હીઃ આઇપીએલ (IPL 2021) લીગની 14મી સિઝનની શરૂઆત આજથી થઇ રહી છે. સિઝનની શરૂઆત પહેલા ધોનીની (Dhoni) ચેન્નાઇ સુપર કિંગ્સમાં (CSK) જબરદસ્ત મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. સીએસકેની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાન ધૂરંધર બૉલર જોડાઇ ગયો છે. શુક્રવારે સીએસકેએ જૉસ હેઝલવુડના (Josh Hazlewood) રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. આઇપીએલની 14મી સિઝન માટે ચેન્નાઇ સુપર કિંગ્સે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બૉલર જેસન બેહરનડોર્ફને (Jason Behrendorff) ટીમમાં સામેલ કર્યો છે.
સીએસકેના સ્ટાર ફાસ્ટ બૉલર જૉસ હેઝલવુડે (Josh Hazlewood) આઇપીએલની 14મી સિઝનથી બહાર રહેવાનો ફેંસલો કર્યો હતો. જૉસ હેઝલવુડે (Josh Hazlewood) બાયૉ બબલમાં રહીને બે મહિના આઇપીએલ રમવાની જગ્યાએ પરિવાર સાથે સમય વિતાવવાને પ્રાથમિકતા આપી છે. જૉસ હેઝલવુડે આઇપીએલ 2021ની સિઝનમાંથી પોતાનુ નામ પાછુ ખેંચીને બધાને ચોંકાવી દીધા હતા.
છેલ્લા કેટલાય સમયથી ધોનીની (Dhoni) ટીમ જૉસ હેઝલવુડના રિપ્લેસમેન્ટની શોધ કરી રહી હતી. શુક્રવારે આઇપીએલની વેબસાઇટ પર આ વાતની જાણકારી મળી કે ચેન્નાઇ સુપર કિંગ્સે જૉસ હેઝલવુડના રિપ્લેસમેન્ટ તરીકે જેસન બેહરનડોર્ફને ટીમમાં સામેલ કર્યો છે.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં રમી ચૂક્યો છે બેહરનડોર્ફ....
બેહરનડોર્ફ બીજીવાર ઇન્ડિયન પ્રીમિયર લીગનો ભાગ બનવા જઇ રહ્યો છે. બેહરનડોર્ફ આ પહેલા 2019મા મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો ભાગ હતો. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેચ રમતા બેહરનડોર્ફે પાંચ વિકેટ ઝડપી હતી. 30 વર્ષના બેહરનડોર્ફ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હજુ પોતાના શરૂઆતી સફરમાં જ છે. બેહરનડોર્ફે અત્યાર સુધી 11 વનડે અને 7 ટી20 મેચો રમી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા બેહરનડોર્ફ 23 વિકેટ ઝડપી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની નજર ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરવા પર છે. ગઇ સિઝનમાં આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર ધોનીની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રણ વાર આઇપીએલ ખિતાબ પોતાના નામે કર્યો છે.