નવી દિલ્હીઃ આઇપીએલની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે. ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021માં (IPL 2021) કેટલીક ટીમોમાં મોટા ફેરફારો જોવા મળશે. આમાં મોટો ફેરફાર ગત વર્ષની રનર અપ દિલ્હી કેપિટલ્સમાં (Delhi Capitals) થયો છે. ઇજાગ્રસ્ત કેપ્ટન શ્રેયસ અય્યરની (Shreyas Iyer) જગ્યાએ વિસ્ફોટક બેટ્સમેન ઋષભ પંતને (Rishabh Pant) આ સિઝન માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલના (Delhi Capitals) નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયરની (Shreyas Iyer) ઈજા બાદ રિષભ પંતને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. પંત અત્યારે ખતરનાક ફોર્મમાં છે અને આ વર્ષે આઈપીએલમાં તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીની ટીમ કમાલ પણ કરી શકે છે.
ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન બનાવવાને લઇને સોશ્યલ મીડિયા પર ઋષભ પંતને ફેન્સ અભિનંદન પાઠવી રહ્યાં છે. આ લિસ્ટમાં હવે પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યરે પણ ઋષભ પંતને શુભેચ્છા પાઠવી છે. આઇપીએલ 2021 માટે દિલ્હીના કેપ્ટન પંત અંગે પ્રતિક્રિયા આપતા અય્યરે કહ્યું- મને કોઇ શંકા નથી, મારી ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત એક સારુ કામ કરશે. તે ખરેખર બેસ્ટ મેન છે. પંતને ખુબ ખુબ શુભેચ્છાઓ....
દિલ્હી કેપિટલ્સ મજબૂત ટીમ...
દિલ્હીની ટીમ ક્યારેય આઈપીએલ(IPL)નો ખિતાબ જીતી શકી નથી. બે વર્ષ પહેલા ગૌતમ (Gautam Gambhir) ગંભીરે ચાલુ સીઝનમાં જ કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ યુવા ખેલાડી શ્રેયસ ઐયરને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. દિલ્હીની ટીમમાં ઘણા યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઋષભ પંત સિવાય પૃથ્વી શૉ પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ વર્ષે આઈપીએલમાં તે પણ પોતાના પ્રદર્શનથી ઘણું સાબિત કરવા માંગશે.
આ વર્ષે પંત ખતરનાક ફોર્મમાં છે. 23 વર્ષના ખેલાડીએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની 3-1થી જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી જેમાં તેણે સદીની મદદથી છ ઇનિંગ્સમાં 270 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ સામેની ટી -૨૦ આંતરરાષ્ટ્રીય બાદ વનડે શ્રેણીમાં શાનદાર ફોર્મ બતાવ્યું હતું. અશ્વિન અને અક્ષરે તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રિષભ પંતે આઈપીએલની 68 મેચમાં 152ના સ્ટ્રાઇક રેટથી 2079 રન ફટકાર્યા છે. 10 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ આઈપીલ 2021 સીઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે. ગત સીઝનની ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ રનર્સ અપ રહી હતી.