IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે આ મહિને યોજાનારી ખેલાડીઓની હરાજીમાં 292 ખેલાડીઓને સામેલ કર્યા છે. જેમાં સૌથી નાની વયનો ખેલાડી નૂર અહમદ છે. જેની ઉંમર માત્ર 16 વર્ષની છે. જ્યારે સૌથી વધુ ઉંમર ધરાવતા ખેલાડી નયન દોષી છે જે 42 વર્ષનો છે. નયન ભારતના પૂર્વ સ્પિન બોલર દિલીપ દોષીનો પુત્ર છે.

અફઘાનિસ્તાનના નૂર અહમદ અને નયનની બેઝ પ્રાઈઝ 20-20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. 16 વર્ષીય લેગ સ્પિનર નૂર અહમદ હાલમાં જ ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ઘરેલુ ટી20 લીગ બિગ બેસ રમ્યો હતો. તે BBL રમનારો સૌથી યુવા ખેલાડી છે.  જ્યારે નયન સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને સરે માટે 2001થી 2013 વચ્ચે કુલ 70 પ્રથમ શ્રેણીની મેચ રમી છે.



નાગાલેન્ડના ખિરિએવિસ્તો કેન્સે પણ 16 વર્ષીય સૌથી યુવા ખેલાડી છે, જેને હરાજીમાં સામેલ કર્યો છે. તેણે ગત મહિને યોજાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સાત વિકેટ લીધી હતી. ખિરિએવિત્સોની રિઝર્વ પ્રાઈઝ 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આઈપીએલ સીઝન 14 માટેની હરાજીનું આયોજન 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થશે. આ એક મિની ઓક્શન હશે. આ વર્ષ હરાજી માટે કુલ 1097 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓક્શન માટે 292 ખેલાડીઓની અંતિમ લિસ્ટ જાહેર કરી છે. આઈપીએલ 2021 માટે 164 ભારતીય 125 વિદેશી અને ત્રણ આઈસીસીના સભ્ય દેશોના ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે.