નવી દિલ્હી:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન શરુ થાય તે પહેલા IPLને તગડો ઝટકો લાગ્યો છે. આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂમાં 6 વર્ષમાં પહેલીવાર ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,  ગત વર્ષ કોરોના વાયરસના કારણે રમતગમતની દુનિયા માટે ખૂબ જ પડકારજનક રહ્યું. કોવિડ 19ના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન  6 મહિના મોડી યોજાઇ હતી. આ વર્ષે પણ મહામારીના કારણે આઈપીએલને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ડફ એન્ડ ફેલપ્સની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2020 માં આઈપીએલની ઇકોસિસ્ટ વેલ્યૂ 3.6 ટકા ઘટી ગઈ છે.



એક સ્ટડી અનુસાર, ગત વર્ષે આઈપીએલ ઇકોસિસ્ટમ સિસ્ટમનું વેલ્યૂ 2019માં 47500 કરોડ રૂપિયાની તુલનામાં આ વખતે 45,800 કરોડ રૂપિયા રહી. જેમાં લગભગ 3.6 ટકા નુકસાન જોવા મળ્યું છે. નુકસાન ભોગવનારમાં આઈપીએલની તમામ ટીમો પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારીના કારણે ટીમોને મળતી સ્પોન્સરશિપ ઓછી થઈ ગઈ છે. 
 
ટીમોની વેલ્યૂ પણ ઘટી 


નુકસાન બાદ મુંબઈ ઈન્ડિયન્સ સતત પાંચમા વર્ષે ફ્રેન્ચાઈજી બ્રાન્ડ રેન્કીંગમાં ટોચ પર રહી. જો કે, 2019ની તુલનામાં 2020માં  મુંબઈની બ્રાન્ડ વેલ્યુમાં 5.9 ટકા ઘટાડો જોવા મળ્યો. મુંબઈની બ્રાન્ડ વેલ્યુ 2019માં 809 કરોડ રૂપિયા હતી જે 2020માં 761 કરોડ રૂપિયા રહી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની બ્રાન્ડ વેલ્યૂમાં ક્રમશ: 16.5 ટકા 13.7 ટકા નુકસાન જોવા મળ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ ઘટવાનું એક કારણ ગત સીઝન અને આ સીઝનમાં મેદાન પર દર્શકો વગર  કરવામાં આવેલું આયોજન પણ છે.