મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેગા હરાજી આ મહિને થવાની છે. આ મેગા હરાજી પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( બીસીસીઆઇ)એ આઇપીએલ ફ્રેન્ચાઈઝી ટીમોને પ્લેયરને રિટેન કરવા માટ આપેલી સમયમર્યાદા મંગળવારે પૂરી થઈ હતી.


આઈપીએલ ટીમોએ જૂના જે ખેલાડીને રીટેન કર્યા છે તેમાં ઘણં આશ્ચર્ય જોવા મળ્યાં છે. આ પૈકી સૌથી મોટું આશ્ચર્ય ચેન્નાઈ સુપર કિંગ્સે સર્જ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આશ્ચર્યજનક રીતે રવિન્દ્ર જાડેજાને ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે પહેલેથી જોડાયેલો હોવાથી તેને ટીમ ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કરશે એવું મનાતું હતું પણ તેના બદલે જાડેજાને ફર્સ્ટ પ્લેયર તરીકે રૂપિયા 16 કરોડમાં રિટેન કરાયો છે.  


ટીમે ધોનીને પણ રીટેન કર્યો છે પણ  ધોની બીજા પ્લેયર તરીકે રૂપિયા 12 કરોડમાં રિટેન થયો હતો. ચેન્નાઈએ રૈનાની સાથે ડુ પ્લેસીસ, સેમ કરન, બ્રાવો, હેઝલવૂડ, રાયડુ, સાન્ટનર, એનગીડી, દીપક ચાહર અને તાહીરને પડતા મૂક્યા હતા. જે હવે અન્ય બે ટીમો સમક્ષ પસંદગી માટે મુકાશે અને જેમની પસંદગી નહી થાય તે હરાજીમાં જશે.


આઈપીએલમાં મંગળવારે સાંજે ખેલાડીઓ રીટેન કરવાની  મુદત પૂરી થતાં  હવે રિટેન થયેલા અને પડતા મૂકાયેલા ખેલાડીઓની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.


આઈપીએલની તમામ ટીમોમાં મુંબઈ, ચેન્નાઈ અને દિલ્હી એ ત્રણ ટીમે ચાર-ચાર ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો. બાકીની ટીમે ચારથી ઓછા ખેલાડીને રીટેન કર્યા છે. આ પૈકી સૌથી આશ્ચર્યજનક પસંદગી ઋષભ પંતની છે કે જેને દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયા આપીને રીટેન કર્યો છે. તાજેતરમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પંત સાવ નિષ્ફળ ગો હોવા છતાં તેને આટલી જંગી રકમ અપાઈ તેના કારણે ક્રિકેટ દર્શકો આશ્ચર્યમાં પડી ગયા છે.