IPL : ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં ખૂબજ ખરાબ શરુઆત બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ ને 20 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ સીએસકે આઈપીએલમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સીએસકેની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આ 10મી જીત હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલના ઈતિહાસમાં એક માત્ર એવી ટીમ છે, જેણે વર્તમાન તમામ 7 ટીમો વિરુદ્ધ 10 અથવા તેનાથી વધુ મેચ જીતી છે. સીએસકે સિવાય અન્ય કોઈ ટીમ અત્યાર સુધી તમામ 7 ટીમો વિરુદ્ધ 10 કે તેનાથી વધુ મેચોમાં જીત મેળવી શકી નથી.

મંગળવારે રમાયેલા મુકાબલમાં ઘોનીની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 8 વિકેટના નુકસાન પર 147 રન જ બનાવી શકી હતી.

ચેન્નઈની આ સીઝનમાં ત્રીજી જીત છે. ચેન્નઈએ આ સીઝનમાં 8 મેચ રમી છે, તેમાંથી ત્રણ જીત મેળવી છે, જ્યારે પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સીએસકે હાલમાં 6 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં 6 નંબરે છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 7 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.