અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જામનગરના ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તોડફોડ મામલે ધારાસભ્ય રાઘવજી પટેલને દોષિત ઠેરવી કોર્ટે 6 માસની કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. વર્ષ 2007માં રાઘવજી પટેલ જ્યારે કૉંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં આવેદનપત્ર પાઠવતી સમયે તોડફોડ કરેલી.


જે તે સમયે રાઘવજી પટેલ સહિત આઠ લોકો સામે ધી પબ્લિક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ સહિતની કલમ હેઠલ ગુનો નોંધવામા આવ્યો હતો. આ કેસ મામલે મંગળવારે ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચને દોષિત ઠેરવી સજા સંભળાવી છે. તો ત્રણ આરોપીઓેને નિર્દોષ જાહેર કર્યા છે. જો કે, કોર્ટે હાલ તમામને જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે રાઘવજી પટેલની સ્ટેની માગણી ફગાવી દીધી હતી. રાઘવજી પટેલ હાલ જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ધારાસભ્ય છે.