Akash Ambani Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે IPL 2025 ની સિઝન કંઈ ખાસ રહી નથી. ટીમ સતત હારનો સામનો કરી રહી છે. તાજેતરમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મેચમાં પણ મુંબઈને 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે જીતની નજીક દેખાતી મુંબઈની ટીમ અંતિમ ઓવરોમાં લક્ષ્ય ચૂકી ગઈ હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ અંત સુધી લડત આપી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. જોકે, છેલ્લી ઓવરમાં હાર્દિકે કરેલી એક ભૂલને કારણે ફ્રેન્ચાઇઝીના માલિક આકાશ અંબાણી નારાજ થયા હતા અને તેમની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે છેલ્લી 6 બોલમાં 22 રનની જરૂર હતી અને લખનૌના કેપ્ટન ઋષભ પંતે બોલ અવેશ ખાનને આપ્યો હતો. હાર્દિક પંડ્યાએ ઓવરના પહેલા બે બોલમાં એક સિક્સર અને બે રન ફટકાર્યા, જેનાથી મુંબઈની જીતની આશા જીવંત થઈ ગઈ હતી. હવે 4 બોલમાં 14 રનની જરૂર હતી અને અહીંથી મેચ કોઈ પણ તરફ જઈ શકે તેમ હતી. પરંતુ ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યા બોલને યોગ્ય રીતે ફટકારી શક્યો નહીં અને બોલ ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ ગયો. નોન-સ્ટ્રાઈક પર ઉભેલા મિશેલ સેન્ટનરે એક રન લીધો, પરંતુ અહીં હાર્દિકે કંઈક એવું કર્યું જે આકાશ અંબાણીને પસંદ ન આવ્યું. હાર્દિકે અડધી ક્રિઝ પરથી મિશેલ સેન્ટનરને પાછો મોકલી દીધો અને પોતે સ્ટ્રાઈક પર રહ્યો. આ જોઈને આકાશ અંબાણી ગુસ્સે થઈ ગયા અને તેમની નારાજગી કેમેરામાં કેદ થઈ ગઈ.

હાર્દિક પંડ્યા દ્વારા ત્રીજા બોલ પર રન ન લેવા અને સેન્ટનરને પાછા મોકલવાના કારણે મુંબઈને મોટું નુકસાન થયું. ત્યાર બાદ અવેશ ખાને ચોથા બોલ પર એક શાનદાર યોર્કર ફેંક્યો, જેના પર પંડ્યા કોઈ રન બનાવી શક્યો નહીં. આ બે ડોટ બોલના કારણે મુંબઈ જીતની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું હતું. અંતિમ બે બોલમાં 14 રનની જરૂર હતી, જેમાં માત્ર 1 રન જ બની શક્યો અને મુંબઈ 12 રનથી મેચ હારી ગયું. જો હાર્દિકે ત્રીજા બોલ પર સેન્ટનરને સ્ટ્રાઈક આપી હોત તો કદાચ પરિણામ અલગ હોઈ શકતું હતું. સેન્ટનર મોટા શોટ મારવાની ક્ષમતા ધરાવે છે અને કદાચ ટીમ માટે જીત કે ટાઈની તક ઊભી કરી શક્યો હોત.

જોકે, મુંબઈની આ હાર માટે માત્ર હાર્દિક પંડ્યા જ જવાબદાર નથી. તિલક વર્માએ પણ ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી. 204 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તિલકે 23 બોલમાં માત્ર 25 રન બનાવ્યા હતા, જેના કારણે ટીમ પર દબાણ વધ્યું હતું. ઘણા લોકો તિલક વર્માને પણ મુંબઈની હારનો મુખ્ય વિલન માની રહ્યા છે.

હાલમાં તો હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરની રણનીતિ અને આકાશ અંબાણીની નારાજગી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ચાહકો હાર્દિકના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે અને આકાશ અંબાણીની પ્રતિક્રિયાને લઈને વિવિધ મીમ્સ અને કોમેન્ટ્સ શેર કરી રહ્યા છે.