Who is Vipraj Nigam: હારેલી બાજી કેવી રીતે જીતવી તે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ પાસેથી શીખવું જોઈએ. વિરોધી ટીમ ગમે તેટલી મજબૂત કે નબળી હોય 200થી વધુનો લક્ષ્યાંક હાંસલ કરવો એ દરેકના માટે સરળ વાત નથી. પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સને આખરે આશુતોષ શર્માની જીદ સામે ઝૂકવું પડ્યું. લખનઉએ દિલ્હી સામે 210 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે દિલ્હીએ 1 વિકેટ બાકી રહેતા રોમાંચક રીતે હાંસલ કરી લીધો હતો. ચાલો જાણીએ કે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ કોણ છે, જેમના બધા વખાણ કરી રહ્યા છે.
વિપરાજ નિગમ કોણ છે?
વિપરાજ નિગમને દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનો જન્મ 28 જૂલાઈ 2004ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીને કારણે તેમને ભારતીય ઘરેલુ ક્રિકેટમાં પહેલી ઓળખ મળી હતી. તેણે 2024-25માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કુલ 8 વિકેટ લીધી હતી. તેને બેટિંગ કરવાની બહુ તક મળી ન હતી. પરંતુ આંધ્રપ્રદેશ સામેની મેચમાં તેણે 8 બોલમાં 27 રનની ઇનિંગ રમીને તેની ટીમને 157 રનના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી હતી.
વિપરાજ એક લેગ-સ્પિન બોલર છે પરંતુ જો જરૂર પડે તો તે નીચે ક્રમમાં આવીને મોટા શોટ પણ મારી શકે છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેણે કંઈક આવું જ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે તેની 3 મેચની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં 17 વિકેટ લીધી છે.
આશુતોષ શર્માનો જન્મ મધ્યપ્રદેશના રતલામમાં થયો હતો. મધ્યપ્રદેશ માટે લિસ્ટ-એ અને ટી20 ડેબ્યૂ કરતા પહેલા તેણે ઘણી મેચ રમી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, આશુતોષ કહે છે કે તે 8 વર્ષની ઉંમરે ક્રિકેટ કોચિંગ માટે ઇન્દોર છોડીને ગયો હતો. તેની પાસે ખાવા માટે પૈસા નહોતા અને તેને ખૂબ જ નાના રૂમમાં રહેવું પડતું હતું. પૈસા કમાવવા માટે તેણે અમ્પાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું.
MPCA એકેડેમીમાં આવ્યા પછી કોચ અમય ખુરાસિયાએ આશુતોષને ઘણી મદદ કરી હતી. સૈયદ મુશ્તાક અલીમાં તે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો હતો પરંતુ 2020માં એમપી ટીમના કોચ બદલાઈ ગયા હતા. ત્યાર બાદ આશુતોષ માટે પણ સંજોગો બદલાઈ ગયા હતા. તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો હતો છતાં તેને પડતો મુકવામાં આવ્યો. આખરે તેને 2024માં પંજાબ કિંગ્સ તરફથી IPL ડીલ મળી હતી. ગયા વર્ષે તેને 20 લાખ રૂપિયા મળ્યા હતા જ્યારે આ વખતે દિલ્હી કેપિટલ્સે તેને 3.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.