Noor Ahmed 4 wickets vs MI: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2025ની શરૂઆત ધમાકેદાર જીત સાથે કરી છે. મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની પ્રથમ મેચમાં જ CSKએ શાનદાર વિજય મેળવ્યો છે અને આ જીતમાં અફઘાનિસ્તાનના લેફ્ટ આર્મ સ્પિનર નૂર અહેમદે મહત્વની ભૂમિકા ભજવી છે. ખાસ વાત એ છે કે CSKએ આ ખેલાડી પર મેગા ઓક્શનમાં સૌથી વધુ પૈસા ખર્ચ્યા હતા અને તેણે પ્રથમ મેચમાં જ પોતાની કિંમત સાબિત કરી દીધી છે.
IPL 2025ની મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીએ અફઘાનિસ્તાનના યુવા સ્પિનર નૂર અહેમદને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ આ જ ખેલાડી ગુજરાત ટાઇટન્સ માટે માત્ર 30 લાખ રૂપિયામાં રમતો હતો. ઓક્શન દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે નૂર અહેમદને ખરીદવા માટે ભારે સ્પર્ધા જોવા મળી હતી. જ્યારે ગુજરાતે ચેન્નાઈની 5 કરોડની બોલી પર રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો, ત્યારે CSKએ બોલી બમણી કરીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
આ નિર્ણય કેટલો યોગ્ય હતો તે IPL 2025ની શરૂઆતની મેચમાં જ જોવા મળ્યું. નૂર અહેમદે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર પોતાની ઘાતક બોલિંગથી મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોને પરેશાન કરી દીધા હતા. તેની બોલિંગના કારણે મુંબઈનો કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો અને આખરે મુંબઈની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 155 રન જ બનાવી શકી હતી.
નૂર અહેમદે આ મેચમાં 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ધોનીના હાથે જબરદસ્ત સ્ટમ્પિંગ કરાવ્યું હતું. આ સાથે જ તે સૂર્યકુમારને આ રીતે આઉટ કરનાર માત્ર ત્રીજો બોલર બન્યો છે. આ ઉપરાંત તેણે તિલક વર્મા, રોબિન મિન્ઝ અને નમન ધીર જેવા મહત્વના બેટ્સમેનોને પણ પેવેલિયન ભેગા કર્યા હતા.
ચેન્નાઈની ધીમી પીચ પર મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનો નૂર અહેમદની સ્પિન બોલિંગ સામે લાચાર દેખાયા હતા. તેના કારણે CSK પોતાના ઘરઆંગણે મુંબઈ સામે પ્રભુત્વ જાળવી રાખવામાં સફળ રહી હતી. નૂર અહેમદે IPLમાં અત્યાર સુધીમાં માત્ર 24 મેચ રમી છે અને 24.10ની સરેરાશથી 28 વિકેટ લીધી છે, જ્યારે તેની ઇકોનોમી 7.92 રહી છે. પ્રથમ મેચમાં કરેલા શાનદાર પ્રદર્શનથી નૂર અહેમદે CSKના તેના પર મૂકેલા વિશ્વાસને સાચો ઠેરવ્યો છે.