Rohit Sharma most ducks in IPL: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં રોહિત શર્મા શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. આ સાથે જ તે IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત '0' પર આઉટ થવાના મામલે દિનેશ કાર્તિક અને ગ્લેન મેક્સવેલની સાથે ટોચ પર પહોંચી ગયો છે. IPLમાં આ 18મી વખત છે જ્યારે રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હોય.


CSK સામેની આ મેચમાં રોહિત શર્મા ખલીલ અહેમદના બોલ પર શિવમ દુબેના હાથે કેચ આઉટ થયો હતો. આ પહેલા પણ રોહિત શર્મા રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચોમાં ચાર વખત શૂન્ય પર આઉટ થયો હતો. હવે દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ અને રોહિત શર્મા ત્રણેય પોતાના IPL કરિયરમાં 18-18 વખત શૂન્યના સ્કોર પર આઉટ થયા છે.


IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનારા ખેલાડીઓની યાદી આ પ્રમાણે છે:



  • રોહિત શર્મા - 18 વખત

  • દિનેશ કાર્તિક – 18 વખત

  • ગ્લેન મેક્સવેલ - 18 વખત

  • પીયૂષ ચાવલા - 16 વખત

  • સુનીલ નારાયણ - 16 વખત


એક તરફ રોહિત શર્માના નામે આ શરમજનક રેકોર્ડ નોંધાયો છે, તો બીજી તરફ તે IPLમાં 7000 રન પૂરા કરવાની ખૂબ જ નજીક છે. રોહિતે અત્યાર સુધીમાં 6,628 રન બનાવ્યા છે અને 7 હજારના આંકડાને સ્પર્શવા માટે તેને વધુ 372 રનની જરૂર છે. જો તે આ સિઝનમાં આ આંકડો પાર કરી લેશે તો તે IPLના ઇતિહાસમાં આવું કરનાર માત્ર બીજો ખેલાડી બનશે. અત્યાર સુધી આ સિદ્ધિ માત્ર વિરાટ કોહલીએ જ હાંસલ કરી છે, જેણે પોતાની IPL કરિયરમાં 8,063 રન બનાવ્યા છે.


ઉલ્લેખનીય છે કે IPL 2024ની સિઝન રોહિત શર્મા માટે ઘણી સારી રહી હતી. તેણે 14 મેચમાં 417 રન બનાવ્યા હતા. જો કે, 2013ની સિઝન પછી તે ક્યારેય એક સિઝનમાં 500થી વધુ રન બનાવી શક્યો નથી. ચેપોકમાં શૂન્ય પર આઉટ થવાના કારણે રોહિત શર્મા ચોક્કસપણે નિરાશ થયો હશે, પરંતુ તેના ચાહકોને આશા છે કે તે આગામી મેચોમાં મોટી ઇનિંગ્સ રમીને આ નિરાશાને દૂર કરશે.