CSK Vs KKR: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યારે 16મી સિઝનની મેચો રમાઇ રહી છે. આ સિઝનમાં કેપ્ટન કૂલ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સનું શાનદાર પ્રદર્શન યથાવત છે. રવિવારે રમાયેલી બીજી મેચમાં CSKએ KKRને 49 રનથી હરાવ્યું, અને આ સાથે જ પૉઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરી દીધુ છે. જોકે, મેચ પુરી થતાની સાથે જ ધોનીએ ફરી સંકેત આપ્યા કે તે IPL 16 પછી ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી શકે છે.


ખરેખરમાં, રવિવારે કોલકત્તાના હૉમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં આ મેચ રમાઈ રહી હતી, પરંતુ મેદાનમાં આવેલા મોટાભાગના દર્શકો ધોની અને CSKનું જ સમર્થન કરતા દેખાયા હતા. મેચ બાદ જ્યારે એવોર્ડ સેરેમની ચાલી રહી હતી તે દરમિયાન મેદાનના ખુણે ખુણેથી ધોની ધોનીનો અવાજ શોરબકોર થઇ રહ્યો હતો. આ અંગે જ્યારે ધોનીને પુછવામાં આવ્યું કે તમને આટલું સમર્થન કેવી રીતે મળી રહ્યું છે? તો ધોનીએ જવાબ આપ્યો, "કદાચ અહીં હાજર તમામ લોકો મને વિદાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છે."


સીએસકેના કેપ્ટને કહ્યું, - “મને દર્શકો તરફથી મળી રહેલા સમર્થન માટે હું આભારી છું. અહીં મોટી સંખ્યામાં ફેન્સ આવ્યા છે. આગામી મેચમાં કદાચ અહીં હાજર મોટાભાગના ચાહકો KKRને સમર્થન કરતા જોવા મળશે. તેઓ મને વિદાય આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું તેમનો આભાર માનું છું.






પહેલા પણ આપ્યા હતા વિદાયના સંકેત - 
ઉલ્લેખનીય છે કે, આવું પહેલીવાર નથી બન્યુ જ્યારે ધોનીએ આ સિઝન પછી ક્રિકેટને અલવિદા કહેવાના સંકેત આપ્યા હોય. ગઇ મેચ બાદ પણ ધોનીએ કહ્યું હતું કે તે હવે પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જોકે, ધોનીની કપ્તાનીમાં CSKએ 7માંથી 5 મેચ જીતીને પૉઈન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું.


ખાસ વાત છે કે, ધોનીની ટીમનું હવે પ્લેઓફમાં પહોંચવુ હવે લગભગ ફાઇનલ જ છે. CSK અત્યારે 10 પૉઈન્ટ સાથે ટેબલમાં નંબર વનના સ્થાન પર છે. CSKને હવે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે માત્ર ત્રણ વધુ જીતની જરૂર છે. CSKના ખેલાડીઓ જે ફોર્મમાં છે તેને જોતા કહી શકાય કે CSK સરળતાથી પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લેશે.


 






















'''