IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આજની મેચમાં ચેન્નાઈના 216 રનના જંગી સ્કોર સામે બેંગ્લોર 23 રનથી હારી ગયું હતું. આ સાથે 2022ની સિઝનમાં ચેન્નાઈ પોતાની જીતનું ખાતું ખોલાવ્યું હતું. ચેન્નાઈની ટીમ અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં હારી ગઈ હતી. ત્યારે આજની મેચ જીતીને ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ રાહતનો શ્વાસ લીધો હતો.
જાડેજાનું પ્રદર્શનઃ
આજની મેચમાં જાડેજાએ પોતાની બોલિંગ વડે 3 વિકેટ ઝડપીને પોતાનું યોગદાન આપ્યું હતું. આ સાથે જાડેજાએ બેંગ્લોરની મહત્વના બેટ્સમેન દિનેશ કાર્તિકને કેચ આઉટ કર્યો હતો. 18મી ઓવરમાં બ્રાવો બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરના બીજા બોલ પર દિનેશ કાર્તિક સિક્સર મારવા ગયો હતો પરંતુ બાઉન્ડ્રી પર જાડેજાએ તેને કેચ આઉટ કર્યો હતો. દિનેશ કાર્તિક આ દરમિયાન તોફાની બેટિંગ કરી રહ્યો હતો અને તેણે 14 બોલમાં 34 રન ફટકારી દીધા હતા. ત્યારે આ મહત્વના બેટ્સમેનને કેચ આઉટ કરીને જાડેજાએ અલગ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. જાડેજાએ કેચ કરીને જાણે મેચ જીતી લીધાનો આનંદ મળ્યો હોય એ રીતે શાંતિથી મેદાનમાં પડી ગયો હતો. આ ક્ષણનો વીડિયો પણ વાયરલ થયો છે. જુઓ વીડિયો.
બેંગ્લોરની ખરાબ શરુઆતઃ
217 રનના પહાડ જેવા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની શરુઆત બહુ જ ખરાબ રહી હતી. કેપ્ટન ડુપ્લેસિસ (8), વિરાટ કોહલી (1), અનુજ રાવત (12) ખુબ સસ્તામાં જ પવેલીયન ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ શહબાઝ (41) અને પ્રભુદેસાઈ (34)એ બાજી સંભાળી હતી. ત્યાર બાદ દિનેશ કાર્તિકે 14 બોલમાં 34 રનની તોફાની બેટિંગ કરી હતી. પરંતુ દિનેશ કાર્તિક બ્રાવોના બોલ પર સિક્સર ફટકારવા જતાં RCBના કેપ્ટન રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. દિનેશ કાર્તિકના ગયા પછી બેંગ્લોરની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આમ બેંગ્લોર 23 રને મેચ હારી ગયું હતું