IPL 2023: આઇપીએલના અને ક્રિકેટના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના મુખ્ય કૉચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઇજા અંગે મોટો ખુલાસો કર્યો છે. ફ્લેમિંગે કહ્યું છે કે, ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણની ઈજા પહોંચી છે, અને તે પરેશાન છે, જેના કારણે તેને કેટલીક 'મૂવમેન્ટ'ની સમસ્યાઓ પણ આવી રહી છે. ખાસ વાત છે કે એક પછી એક ઇજાગ્રસ્ત ખેલાડીઓ મામલે ઝઝૂમી રહેલી ચેન્નાઇની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બૉલર સિસાન્ડા મગાલા ઈજાના કારણે બે અઠવાડિયા માટે બહાર થઈ ગયો છે. 


ગઇકાલે રાજસ્થાન સામે મળેલી ત્રણ રનથી હાર બાદ ચેન્નાઇના કૉચે મોટો ખુલાસો કર્યો છે, મેચ બાદ ચેન્નાઇની કૉચ ફ્લેમિંગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'તે (ધોની) ઘૂંટણની ઈજાથી પરેશાન રહે છે. જે તમે તેને કેટલીક હિલચાલ દરમિયાન જોઈ શકો છો. જેના કારણે તેને થોડી મુશ્કેલી પડી રહી છે. તેની ફિટનેસ પ્રૉફેશનલ ખેલાડી જેવી છે. તેને ટૂર્નામેન્ટ શરૂ થવાના કેટલાક મહિનાઓ પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેને રાંચીમાં નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી પરંતુ તે ચેન્નાઈ પહોંચ્યો તેના એક મહિના પહેલા પ્રી-સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, તે એક મહાન ખેલાડી છે. અમને ક્યારેય શંકા નથી. જોકે, ફ્લેમિંગે એ નથી કહ્યું કે, શું ધોની આ ઈજાને કારણે આગામી મેચોમાંથી બહાર થઈ શકે છે.






ખાસ વાત છે કે, ધોની આઇપીએલ 2023ની ઓપનિંગ મેચમાં જ એટલે કે ગુજરાત ટાઇટન્સની મેચ દરમિયાન જ ઇજાગ્રસ્ત થયો હતો, જોકે તે તેના ઘૂંટણની ઈજા ન હતી, તે સમયે તેને ખેંચ હતી. ફ્લેમિંગે ટીમની અન્ય ખેલાડી સિસાંડા મગાલાની ઈજા અંગે પણ અપડેટ આપ્યુ હતુ. આર અશ્વિનનો કેચ લેતી વખતે ફિલ્ડિંગ કરતી વખતે મગાલાને આ ઈજા થઈ હતી. ફ્લેમિંગે કહ્યું કે આ ઈજાને કારણે તે આગામી બે અઠવાડિયા સુધી મેચ રમી શકશે નહીં.


ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે આગામી બે અઠવાડિયામાં ત્રણ મેચ રમવાની છે. તેઓ 17મી એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમશે, જ્યારે તેઓ અનુક્રમે 21મી અને 23મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.