GT vs PBKS Live Telecast: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ચેમ્પીયન ટીમ ગુજરાતની ટક્કર, આ વખતની ફૂલ ફૉર્મમાં ચાલી રહેલી પંજાબની ટીમ સામે ટકરાશે. આજે (13 એપ્રિલ) IPLમાં માત્ર એક જ મેચ રમાશે. આ મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમો આમને-સામને ટકરાશે. આ સિઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં કુલ ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે અને બન્નેમાં બે મેચમાં જીત અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આઇપીએલમાં બન્ને ટીમોની સફર -
પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રને હાર આપી હતી અને બાદમાં રાજસ્થાન રૉયલ્સને 5 રને હરાવીને IPL 2023ની એક સારી શરૂઆત કરી હતી. જોકે, અંતિમ ત્રીજી મેચમાં પંજાબની ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, ગુજરાત ટાઇટન્સે CSK સામે 5 વિકેટે અને દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી, પરંતુ આ પછી ટીમને તેની છેલ્લી મેચમાં KKRના હાથે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રિન્કુ સિંહે 5 બૉલમાં 5 છગ્ગા ફટકારીને KKRને એક શાનદાર જીત અપાવી હતી.
આજની મેચમાં આ બંને ટીમો પોતાની છેલ્લી મેચમાં મળેલી હારને ભૂલીને જીતના પાટા પર પાછી આવવાનો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સ માટે સારી વાત એ છે કે, ટીમમાં ભાનુકા રાજપક્ષે અને લિયામ લિવિંગસ્ટૉન જેવા વિસ્ફોટક બેટ્સમેનો પાછા આવી ગયા છે. વળી બીજીબાજુ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આ મેચથી ટીમમાં વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં બન્ને ટીમો વચ્ચેની આજની મેચમાં જોરદાર જંગ જોવા મળી શકે છે.
કઇ ચેનલ પરથી કેટલા વાગે જોઇ શકાશે મેચ લાઇવ ?
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આજની મેચ (13 એપ્રિલ) સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. બન્ને ટીમો આજે મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર વિવિધ ભાષાઓમાં કરવામાં આવશે. Jio સિનેમા એપ પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. અહીં અંગ્રેજી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં કૉમેન્ટ્રી સાંભળવાનો ઓપ્શન પણ અવેલેબલ રહેશે. તમે આ મેચ Jio સિનેમા એપ પર ફ્રીમાં જોઈ શકશો.