Axar Patel slams Delhi Capitals: IPL 2026 માં રમાયેલી દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની 35મી મેચ ખરેખર ઐતિહાસિક રહી હતી. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 264 રનનો વિશાળ અને પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો, છતાં પણ પંજાબ કિંગ્સે આ ટાર્ગેટ આસાનીથી ચેઝ કરીને 6 વિકેટે શાનદાર જીત મેળવી લીધી. 264 રનનો બચાવ ન કરી શકવા પર દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ ખૂબ નિરાશ જોવા મળ્યા હતા અને તેમણે આ શરમજનક હાર માટે ટીમના બોલરો અને ખરાબ ફિલ્ડિંગનો બરાબરનો ઉધડો કાઢ્યો હતો.

Continues below advertisement

મેચની વિગતો જોઈએ તો, દિલ્હી કેપિટલ્સે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે IPL ના ઇતિહાસમાં દિલ્હીનો સૌથી મોટો અને ઓવરઓલ 5મો સૌથી મોટો સ્કોર છે. પરંતુ પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ એવી તોફાની શરૂઆત કરી કે પાવરપ્લેમાં જ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 116 રન ઝૂડી કાઢ્યા અને પહેલી વિકેટ માટે 126 રનની મજબૂત પાર્ટનરશિપ કરી. ત્યારબાદ પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે 71 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને 6 વિકેટે જીત અપાવી દીધી. આ ઇનિંગ દરમિયાન અય્યરને 2 વાર જીવતદાન પણ મળ્યું હતું, જે દિલ્હીને ભારે પડ્યું.

Continues below advertisement

આ હાર બાદ કેપ્ટન અક્ષર પટેલે પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, "અમે વારંવાર એકની એક જ ભૂલો કરી રહ્યા છીએ. જો તમે આવી પીચ પર તમારા બોલરોને ફિલ્ડિંગથી સપોર્ટ ન કરી શકો, તો તમે હારવાને જ લાયક છો." તેમણે પોતાના બોલરો પર નિશાન સાધતા કહ્યું કે મુખ્ય બોલરોએ પણ પોતાના પ્રદર્શન પર વિચાર કરવાની જરૂર છે, ખાસ કરીને પાવરપ્લેમાં તેમણે જે રીતે રન લૂંટાવ્યા તે નિરાશાજનક હતું. અક્ષરે સ્પષ્ટ કહ્યું કે જો ટીમે ફિલ્ડિંગમાં કેટલીક મહત્વની તકોનો લાભ લીધો હોત, તો પરિણામ કંઈક અલગ હોત.

જોકે, આ મેચમાં ભલે દિલ્હી કેપિટલ્સ હારી ગયું, પણ 'પ્લેયર ઓફ ધ મેચ' (POTM) નો એવોર્ડ દિલ્હીના વિકેટકીપર-બેટ્સમેન KL રાહુલને જ મળ્યો. રાહુલે 152 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જેનાથી તે IPL માં 150 થી વધુનો સ્કોર કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિજેતા ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે પણ રાહુલના વખાણ કરતા કહ્યું કે તે બધી જ પ્રશંસાને પાત્ર છે. આ ઐતિહાસિક જીત સાથે પંજાબ કિંગ્સે 7 મેચમાંથી 6 માં જીત મેળવીને 13 પોઈન્ટ અને +1.333 ના નેટ રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 નું સ્થાન મજબૂત કરી લીધું છે (તેમની 1 મેચ વરસાદને કારણે રદ થઈ હતી). જ્યારે બીજી બાજુ, 7 મેચમાં 4 હાર સાથે દિલ્હી કેપિટલ્સ 6ઠ્ઠા સ્થાને ધકેલાઈ ગયું છે.