નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદએ દિલ્હી કેપિટલ્સને નવ રનથી હાર આપી હતી. આ સાથે હૈદરાબાદે આ સીઝનમાં અગાઉની હારનો બદલો લઈ લીધો હતો. દિલ્હીની ટીમને 198 રનનો ટાર્ગેટ મળ્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે દિલ્હી આ મેચ સરળતાથી જીતી લેશે પરંતુ ફિલિપ સોલ્ટ અને મિશેલ માર્શના આઉટ થયા બાદ હૈદરાબાદે મેચમાં વાપસી કરી હતી. હૈદરાબાદ તરફથી બોલિંગમાં મયંક માર્કંડેએ 2 વિકેટ ઝડપી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદના 198 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર આ મેચમાં બીજા બોલ પર ખાતું ખોલાવ્યા વગર બોલ્ડ થયો હતો. આ પછી ફિલ સોલ્ટ અને મિશેલ માર્શે આક્રમક શરૂઆત અપાવી હતી. બાદમાં બંને ખેલાડીઓએ મળીને 6 ઓવરના અંતે 1 વિકેટના નુકસાને ટીમનો સ્કોર 57 રન સુધી પહોંચાડ્યો હતો.
દિલ્હીએ મેચને રોમાંચક બનાવી દીધી હતી
પ્રથમ 6 ઓવર પૂરી થયા બાદ ફિલ સોલ્ટ અને મિશેલ માર્શે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. આ સાથે 10 ઓવરના અંતે ટીમનો સ્કોર 105 રન પર પહોંચ્યો હતો. દરમિયાન ફિલ સોલ્ટે આઇપીએલની પ્રથમ અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 66 બોલમાં 112 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી.
દિલ્હી કેપિટલ્સને 112 રનના સ્કોર પર બીજો ફટકો ફિલ સોલ્ટના રૂપમાં લાગ્યો હતો જે 35 બોલમાં 59 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. અહીંથી સનરાઇઝર્સ હૈદરાબાદને મેચમાં વાપસી કરવાનો મોકો મળ્યો અને તેણે 115 રન પર મનીષ પાંડે અને 125 રન પર મિશેલ માર્શની વિકેટ મેળવીને મેચને સંપૂર્ણપણે પોતાના પક્ષમાં ફેરવી દીધી હતી. આ મેચમાં મિશેલ માર્શે 39 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી.
148ના સ્કોર સુધીમાં દિલ્હીએ તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી બોલિંગમાં મયંક માર્કંડેને 2 જ્યારે ભૂવનેશ્વર કુમાર, અકીલ હુસૈન, ટી. નટરાજન અને અભિષેક શર્માને 1-1 વિકેટ મળી હતી.
અભિષેક શર્મા અને હેનરિક ક્લાસનની અડધી સદી
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 22 વર્ષીય ખેલાડી અભિષેક શર્મા અને વિકેટ કીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું. આ મેચમાં અભિષેકે 36 બોલમાં 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે હેનરિક ક્લાસને 27 બોલમાં 53 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી મિશેલ માર્શે આ મેચમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.