ગ્લેન મેક્સવેલે IPL 2026 હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તાજેતરના દિવસોમાં હરાજીમાંથી ખસી જનાર મેક્સવેલ બીજો દિગ્ગજ બેટ્સમેન છે. દક્ષિણ આફ્રિકાના અનુભવી ફાફ ડુ પ્લેસિસે પણ આવી જ જાહેરાત કરી હતી. KKR માંથી રિલીઝ થયા બાદ આન્દ્રે રસેલે નિવૃત્તિની જાહેરાત કરી છે. તે પણ હરાજીમાં ભાગ લેશે નહીં. મેક્સવેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો કે તે મીની-હરાજીમાં ભાગ લેશે નહીં. છેલ્લા બે સીઝનમાં, મેક્સવેલ ફક્ત 100 રન બનાવવામાં અને 10 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
ગ્લેન મેક્સવેલે હરાજીમાંથી નામ પાછું ખેંચી લીધું
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે મંગળવારે પુષ્ટિ કરી હતી કે તે IPL 2026 માટે મીની-હરાજીમાં ભાગ લેશે નહીં. તેમના નિર્ણયથી એવું લાગે છે કે તેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની છેલ્લી મેચ રમી લીધી છે. મેક્સવેલ પહેલા, આન્દ્રે રસેલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા અનુભવી ખેલાડીઓએ પણ આ વર્ષે હરાજીમાંથી નામ પાછું ખેંચી લીધું છે. આ વર્ષે મીની-હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે.
મેક્સવેલે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
37 વર્ષીય મેક્સવેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં જણાવ્યું હતું કે આ નિર્ણય સરળ નહોતો, પરંતુ તેણે ખૂબ વિચાર કર્યા પછી આ નિર્ણય લીધો છે. તેણે લખ્યું, "IPL માં ઘણી યાદગાર સીઝન પછી મેં આ વર્ષે હરાજી માટે મારું નામ ન મૂકવાનો નિર્ણય લીધો છે. આ એક મોટો નિર્ણય છે અને હું તેને ખૂબ કૃતજ્ઞતા સાથે લઉં છું, કારણ કે આ લીગે મને ઘણું બધું આપ્યું છે." મેક્સવેલે પોતાની પોસ્ટમાં એવો પણ સંકેત આપ્યો કે તેની IPL સફર કદાચ પૂરી થઈ ગઈ છે.
પોતાની પોસ્ટમાં, મેક્સવેલે IPLનો આભાર માનતા કહ્યું, "IPL એ મને માત્ર એક સારો ખેલાડી જ નહીં, પણ એક સારો વ્યક્તિ પણ બનાવ્યો છે. આ લીગમાં, મેં વિશ્વ કક્ષાના ખેલાડીઓ સાથે રમ્યો છું, શાનદાર ટીમોનો ભાગ રહ્યો છું અને ભારતીય દર્શકોની ઉર્જાએ હંમેશા મને પ્રેરણા આપી છે." તેણે અંતમાં લખ્યું, " યાદો, પડકારો અને ઉર્જા હંમેશા મારા હૃદયમાં રહેશે. આભાર. આશા છે ઝડપથી મળશું."