સાઈ સુદર્શન અને શુભમન ગિલ વચ્ચેની રેકોર્ડ ભાગીદારીની મદદથી ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ પણ પ્લેઓફમાં પહોંચી ગયા છે. હવે ચોથા સ્થાન માટે લડાઈ ચાલુ છે. રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીએ કેએલ રાહુલની સદીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત ઓવરોમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 205 રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી.

સુદર્શન અને ગિલે હલચલ મચાવી દીધી

200 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતે સારી શરૂઆત કરી જેમાં સાઈ સુદર્શન અને શુભમન ગિલે અંત સુધી લય જાળવી રાખી હતી. બંને વચ્ચે 205 રનની અણનમ ભાગીદારી થઈ હતી.  આ કોઈપણ ઓપનિંગ જોડી દ્વારા ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ગિલ અને સુદર્શને IPL 2024માં 210 રનની ભાગીદારી કરી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે આ ગુજરાતનો બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે.

ગિલે 5000 ટી20 રન પૂરા કર્યા

આ મેચમાં સાઈ સુદર્શને 61 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે શુભમન ગિલ 93 રનની અણનમ ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. સુદર્શને 56 બોલમાં પોતાના IPL કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. ગિલે સીઝનની તેની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. આ મેચમાં ગુજરાતના કેપ્ટને પોતાના શાનદાર પ્રદર્શનથી ટી-20માં 5000 રન પૂરા કર્યા હતા. તેણે 154 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ફાફ ડુ પ્લેસિસે ફક્ત પાંચ રન બનાવ્યા. આ પછી ઓપનર કેએલ રાહુલ અભિષેક પોરેલ વચ્ચે બીજી વિકેટ માટે 52 બોલમાં 90 રનની ભાગીદારી થઈ હતી. પોરેલ સાઈ કિશોરનો શિકાર બન્યો હતો. તે 19 બોલમાં 30 રન કરીને આઉટ થયો હતો. આ પછી અક્ષર પટેલ ક્રીઝ પર આવ્યો અને 25 રન કરી પેવેલિયન પાછો ફર્યો. ગુજરાત સામે કેએલ રાહુલે પોતાના કરિયરની પાંચમી સદી ફટકારી હતી. તે 65 બોલમાં 112 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઉપરાંત ટ્રિસ્ટન સ્ટબ્સે 21 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી અરશદ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોરે એક-એક વિકેટ લીધી હતી.