IPL 2022: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (GT) IPL 2022ની સિઝનમાં સારું પ્રદર્શન કરી રહી છે. ગુજરાત ટાઇટન્સ (GT) અત્યાર સુધી 9 મેચમાં 8 મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સ (GT)નો કેપ્ટન હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો. પંડ્યા ઈજાના કારણે ગયા વર્ષે UAEમાં યોજાયેલા T20 વર્લ્ડ કપનો ભાગ નહોતો. તે ઈજા બાદથી હાર્દિક પંડ્યા હજુ પણ ભારતીય ટીમની બહાર છે. પરંતુ વર્તમાન IPL સિઝનમાં પંડ્યા જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે પછી ઘણા ક્રિકેટ દિગ્ગજો માને છે કે તે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આગામી T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે.


ગુજરાત ટાઇટન્સ ટીમમાં કોઈ ખેલાડી નાનો કે મોટો નથીઃ હાર્દિક
આ દરમિયાન ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ગુજરાત ટાઇટન્સની ટીમમાં કોઇપણ ખેલાડી નાનો કે મોટો નથી. સાથે તેણે કહ્યું કે, અમારી ટીમના તમામ ખેલાડીઓ સમાન છે. ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન ઉપરાંત બોલરો પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ સિવાય રાહુલ તેવટિયા, ડેવિડ મિલર અને રાશિદ ખાન જેવા બેટ્સમેન નીચલા ક્રમમાં આવીને મેચ ફિનીશરની ભૂમિકા અદા કરી રહ્યા છે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને હરાવીને ટીમે પ્લે-ઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.


આનાથી સારી શરૂઆતની અપેક્ષા રાખી શકાય નહીંઃ હાર્દિક
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથેની મેચ બાદ ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, એક વ્યક્તિ તરીકે હું માત્ર મારી જાતને વિકસાવવા માંગતો નથી. મને મારા સાથી ખેલાડીઓ અથવા મારી આસપાસના લોકો સાથે આગળ વધવું ગમે છે. હાર્દિકે આ દરમિયાન ટીમની સફળતાનું કારણ જણાવતાં કહ્યું કે, હું કેપ્ટન બની શકું છું, પરંતુ અમારી ટીમમાં કોઈ સિનિયર જુનિયર નથી. ટીમના તમામ ખેલાડીઓને લાગે છે કે, તે કેપ્ટન જેટલો જ મહત્વપૂર્ણ છે. પોતાની કેપ્ટનશીપ અંગે પંડ્યાએ કહ્યું કે, હું નવી જવાબદારીનો આનંદ માણી રહ્યો છું. મારી આસપાસ સારા લોકોનો છે. આ કારણે અમે સતત મેચો જીતી રહ્યા છીએ. પંડ્યાએ કહ્યું કે, હું આનાથી સારી શરૂઆતની આશા રાખી શકતો નથી.