ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં આજે બપોરે  ત્રણ વાગ્યે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. ચેન્નઈ અને હૈદરાબાદ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરશે. ચેન્નઇના બોલરો અને બેટ્સમેનના પ્રદર્શન સાતત્યનો અભાવ જોવા મળી રહ્યો છે.


ચેન્નઈને પ્રથમ મેચમાં કોલકાતા, બીજી મેચમાં લખનઉ અને ત્રીજી મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદની ટીમ પણ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. તેને પ્રથમ મેચમાં રાજસ્થાન સામે અને બીજી મેચમાં લખનઉ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ટીમના બેટ્સમેન અને બોલરોના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદની બોલિંગ અને બેટિંગમાં સારુ પ્રદર્શન રહ્યું નથી. આ મેચમાં બંને ટીમોમાં ફેરફાર જોવા મળી શકે છે.


ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો ઓપનર ઋતુરાજ ગાયકવાડ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. તેણે પ્રથમ ત્રણ મેચમાં કુલ બે રન બનાવ્યા છે. આમ છતાં તેને ફરી તક આપવામાં આવી શકે છે. જાડેજા અને અંબાતી રાયડુ પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા છે. મોઈન અલી પણ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યો છે. રોબિન ઉથપ્પા, શિવમ દુબે અને મહેન્દ્ર સિંહ ધોનીનું પ્રદર્શન સારુ રહ્યું છે. બોલિંગની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના ડ્વેન પ્રિટોરિયસનું પ્રદર્શન સારુ રહ્યું છે. ડ્વેન બ્રાવો પણ કાંઇ ખાસ કમાલ કરી શક્યો નથી.


સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અત્યાર સુધી કોઇ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નથી. એડન માર્કરામે પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી જ્યારે બીજી મેચમાં રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસન પણ સારુ પ્રદર્શન કરી શક્યો નથી. બોલિંગમાં પણ કોઇ બોલરનું પ્રદર્શન ટીમને જીત અપાવે તેવું રહ્યું નથી. ઉમરાન મલિકના સ્થાને ઝડપી બોલર કાર્તિક ત્યાગીને તક આપવામાં આવી શકે છે.


 ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, ક્રિસ જોર્ડન, મુકેશ ચૌધરી.


સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન


કેન વિલિયમસન, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક/કાર્તિક ત્યાગી, ટી નટરાજન.