Kolkata Knight Riders vs Lucknow Super Giants: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 66મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય થયો છે. આ રોમાંચક મેચમાં લખનઉએ કોલકત્તાને બે રનથી હરાવ્યું હતું. આ જીત સાથે  લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઇ છે જ્યારે હાર સાથે કોલકત્તાની આઇપીએલની સફર પૂર્ણ થઇ હતી.


KKRના બેટ્સમેનોએ કર્યું શાનદાર પ્રદર્શન


211 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર વેંકટેશ ઐય્યર ખાતુ ખોલાવ્યા વિના મોહસિન ખાનનો શિકાર બન્યો હતો. તેના આઉટ થયા બાદ ડેબ્યૂ કરી રહેલો અભિજીત તોમર પણ કાંઇ ખાસ કરી રહ્યો નહોતો અને ચાર રન બનાવી આઉટ થયો હતો. બાદમાં નીતિશ રાણા અને કેપ્ટન શ્રેયસે સ્થિતિ સંભાળી હતી અને બંનેએ ત્રીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. આ પાર્ટનરશીપને કૃષ્ણપ્પા ગૌતમે તોડી હતી. તેણે નીતીશ રાણાને 42 રન પર આઉટ કર્યો હતો. રાણાએ પોતાની ઇનિંગમાં 22 બોલમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા.


ત્રણ વિકેટ પડ્યા બાદ સેમ બિલિંગ્સ અને શ્રેયસે ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. બંનેએ 40 બોલમાં 66 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન કેપ્ટન શ્રેયસે 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 50 રન બનાવીને સ્ટોઈનિસનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સેમ બિલિંગ્સ પણ 36 રન બનાવીને રવિ બિશ્નોઈના હાથે સ્ટમ્પ થયો હતો.


KKRને આ મેચમાં તેમના સ્ટાર ખેલાડી રસેલ પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તે પણ 11 બોલમાં 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ રિંકુ સિંહ અને સુનીલ નારેને આક્રમક બેટિંગ કરી હતી. એક સમયે એવું લાગતુ હતું કે બંન્ને કોલકત્તાને જીત અપાવી દેશે પરંતુ અંતિમ ઓવરમાં બાજી પલટાઇ અને લખનઉ મેચ જીતી ગયું હતું.


ડી કોકનો 'વન મેન શો'


ક્વિન્ટન ડી કોક (અણનમ 140) અને કેપ્ટન કેએલ રાહુલ (અણનમ 68) વચ્ચે 210 રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારીને કારણે લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2022ની 66મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 211 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લખનઉએ 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રન બનાવ્યા હતા.