IPL 2022: આજે રમાયેલી પહેલી મેચમાં પંજાબ કિંગ્સને સનરાઈઝર્સ હૈદરાબાદે સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરુઆત ખરાબ રહી હતી. જો કે, મિડલ ઓર્ડરમાં રમવા ઉતરેલા લિયામ લિવિંગસ્ટોન અને શાહરુખ ખાને પંજાબની બાજી સંભાળી હતી અને 50 રનથી વધુની પાર્ટનરશીપ બનાવી હતી. આમ પંજાબની ટીમે હૈદરાબાદને જીત માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો.


અમ્પાયરે આઉટ આપ્યોઃ
પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની જે ચોંકાવનારી હતી. પંજાબ કિંગ્સના બેટ્સમેન શાહરૂખ ખાનને અમ્પાયરે આઉટ આપ્યો હતો, પરંતુ બોલ હેલ્મેટમાં વાગ્યો હતો. જ્યારે શાહરૂખે રિવ્યુ લીધો ત્યારે ખબર પડી અને અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. પંજાબ કિંગ્સની 14મી ઓવરમાં ટી. નટરાજન હૈદરાબાદ માટે બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર તેણે બાઉન્સર નાખ્યો અને બોલ શાહરુખ ખાનના હેલ્મેટ પર વાગ્યો અને પોઈન્ટ પર ઉભેલા ફિલ્ડર પાસે ગયો હતો. આ દરમિયાન અપિલ થતાં અમ્પાયરે શાહરુખને આઉટ આપ્યો હતો. 


રિવ્યુમાં શાહરુખ નોટ આઉટઃ
જો કે, એમ્પાયરના આ નિર્ણયને લઈને બેટ્સમેન શાહરૂખ ખાન આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એમ્પાયરના આ નિર્ણય સામે શાહરુખે રિવ્યુ લીધો હતો. ત્યાર પછી જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લેમાં જોયું તો બેટ પર એજ નહોતું મતલબ બેટ અને બોલ સાથે કોઈ સ્પર્શ નહોતો થયો. બોલ સીધો હેલ્મેટ પર અથડાયો હતો. આ સ્થિતિમાં શાહરૂખ ખાન નોટ આઉટ સાબિત થયો હતો. ત્યાર પછીના બોલ પર શાહરૂખ ખાને પણ સિક્સર ફટકારી હતી. શાહરૂખ ખાને આ મેચમાં 28 બોલમાં 26 રન બનાવ્યા જેમાં એક 4 અને બે સિક્સર હતી.


ઉલ્લેખનીય છે કે, આ વખતે IPLમાં અમ્પાયરિંગ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણી મેચોમાં એવરેજ અમ્પાયરિંગ જોવા મળી રહ્યું છે. ઘણી મેચોમાં આઉટના ખોટા નિર્ણયો આપવામાં આવી રહ્યા છે, તો ઘણી વખત વાઈડ અને નો-બોલના નિર્ણય ઉપર પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.