RCB vs SRH: IPL 2022 ની 54મી મેચ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBએ 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં SRHની ટીમ 125 રન જ બનાવી શકી હતી. આરસીબીએ આ મેચ 67 રનથી જીતી લીધી હતી. આ મેચમાં RCB ગ્રીન (લીલા) કલરની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યું હતું.
ગ્રીન જર્સીમાં આરસીબીનો રેકોર્ડઃ
IPLના ઈતિહાસમાં RCB 11 વખત ગ્રીન જર્સીમાં ઉતર્યું છે. આ દરમિયાન ટીમે 3 મેચ જીતી છે અને 7 મેચ હારી છે જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. છેલ્લા ચાર વર્ષમાં આરસીબીની ટીમ ગ્રીન જર્સીમાં એક પણ મેચ જીતી શકી નથી, પરંતુ આજે તેને જીત મળી છે. IPL 2011માં RCB પહેલીવાર ગ્રીન જર્સીમાં મેદાન પર ઉતર્યું હતું. 2011 થી 2020 સુધી, RCBએ દરેક સિઝનમાં ગ્રીન જર્સીમાં એક મેચ રમી હતી, જ્યારે 2021માં ટીમે વાદળી જર્સી પહેરી હતી.
2011 અને 2016માં ફાઈનલ રમાઈ હતીઃ
જ્યારે પણ RCBએ ગ્રીન જર્સીમાં મેચ જીતી છે, તે સિઝનમાં ટીમ ચોક્કસપણે IPLની ફાઈનલ મેચ રમી છે. ગ્રીન જર્સીમાં બેંગ્લોરે વર્ષ 2011 અને 2016માં મેચ જીતી હતી અને તે જ સિઝનમાં ટીમે ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી. વર્ષ 2016ની ફાઈનલ મેચ RCB અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. SRH આ મેચ જીતી હતી. આ પહેલાં વર્ષ 2011 ની ફાઈનલ મેચ CSK અને RCB વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈએ આ મેચ જીતીને ટાઈટલ જીત્યું હતું.
IPL 2011- જીત
IPL 2012 - હાર
IPL 2013- હાર
IPL 2014 - હાર
IPL 2015 - અનિર્ણિત
IPL 2016- જીત
IPL 2017- હાર
IPL 2018- હાર
IPL 2019- હાર
IPL 2020- હાર
IPL 2021 - બ્લુ જર્સી (હાર)
IPL 2022- જીત
RCBએ સમર્થનની અપીલ કરીઃ
પૃથ્વીને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની સાથે સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે RCBના તમામ ખેલાડીઓ અને સહાયક સ્ટાફ ગ્રીન જર્સીમાં જોવા મળ્યો હતો. RCB દરેકને 'ગો ગ્રીન' પહેલને સમર્થન આપવા વિનંતી કરી હતી. પ્રકૃતિને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે RCBએ ગ્રીન જર્સી પહેરી હતી. બેંગલોર ભારતના બગીચાના શહેર તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે, IPL 2021 માં RCBએ કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ આપવા માટે વાદળી જર્સી પહેરી હતી.