CSK, IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન શરૂ થાય તે પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી મોટું અપડેટ આપવામાં આવ્યું છે. ટીમે આગામી સિઝન માટે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી પહેલેથી જ જાહેર કરી દીધી છે. યાદી જાહેર થયા બાદ રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે જે તરત જ વાયરલ થવા લાગી છે. જાડેજાની આ પોસ્ટમાં ટીમનો કેપ્ટન એમએસ ધોની પણ સામેલ છે. જાડેજાએ સોશિયલ મીડિયા પર ધોની સાથેની પોતાની તસવીરો પોસ્ટ કરી છે અને લખ્યુ હતું કે બધુ બરોબર છે અને હવેથી ફરીથી શરૂઆત કરીશું. નવી સીઝનની શરૂઆત પહેલા જાડેજા દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટ દર્શાવે છે કે તેની અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે બધુ બરાબર છે. ચેન્નઇ સુપરકિંગ્સે પણ જાડેજાના ટ્વિટને રિટ્વિટ કર્યું હતું.
ગત સિઝનમાં જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું અને તેણે સિઝનના મધ્યમાં જ ધોનીને કેપ્ટન્સી સોંપી હતી. આ પછી ધોનીએ જાડેજા વિશે પણ કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ધોનીએ સ્પષ્ટ કર્યું હતું કે જાડેજાને સુકાનીપદ માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેના હાથમાં બધું જ રેડીમેડ ન આપી શકાય. આ પછી જાડેજા શંકાસ્પદ રીતે ઘાયલ થયો હતો અને છેલ્લી કેટલીક મેચોમાંથી પણ બહાર થઈ ગયો હતો.
સિઝનના અંત પછી પણ જાડેજા મૌન રહ્યો હતો. આ પછી તેણે ચેન્નઈને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધું હતુ. તમામ વિશ્વસનીય સૂત્રોએ દાવો કર્યો હતો કે જાડેજાને ટીમમાંથી રીલિઝ કરવામાં આવશે. જોકે છેલ્લી ઘડીએ બધું બદલાઈ ગયું અને જાડેજા ટીમમાં જ રહ્યો. જાડેજાને ચેન્નઈમાં જાળવી રાખવાનો ધોનીનો નિર્ણય મહત્વપૂર્ણ હતો કારણ કે તે આગામી કેટલાક વર્ષો માટે જાડેજાને ટીમના કેપ્ટન તરીકે જોઇ રહ્યો છે.