DC vs RCB, IPL 2023 Points Table: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સ (DC)ની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB) સામે થઇ હતી. આ મેચમાં દિલ્હીની ટીમે બેંગ્લૉરની ટીમને 7 વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. દિલ્હીને આ મેચ જીતવા માટે 182 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. જોકે, ફિલ સૉલ્ટની આક્રમક ઇનિંગના કારણે દિલ્હીની ટીમે આ મેચ માત્ર 16.4 ઓવરમાં જીતી લીધી હતી. ફિલ સૉલ્ટે મેચમાં 87 રનની શાનદાર બેટિંગ કરી હતી. આ જીત બાદ દિલ્હીની ટીમ હવે 8 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં 9મા સ્થાને પહોંચી ગઇ છે.


પૉઈન્ટ ટેબલમાં 50 લીગ મેચો પુરી થયા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ સ્થાને છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમે અત્યાર સુધી કુલ 10માંથી 7 મેચ જીતી છે, અને 14 પૉઈન્ટ સાથે પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ પાક્કુ થઇ ગયુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હવે 13 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ચેન્નાઈ ટીમનો નેટ રનરેટ હાલમાં 0.409 છે.


પૉઈન્ટ ટેબલમાં બેંગ્લૉર પાંચમા ક્રમે - 
લખનઉ સુપર જાયન્ટ્સ અત્યારે 11 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. રાજસ્થાન રૉયલ્સ 10 પૉઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. દિલ્હી સામેની હાર બાદ પણ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર 10 પૉઈન્ટ સાથે 5માં સ્થાન પર જ છે. આરસીબીનો નેટ રનરેટ જરૂરથી થોડો ખરાબ થયો છે, જે હવે -0.209 પર પહોંચી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે 6ઠ્ઠા તેમજ પંજાબ કિંગ્સ 7માં સ્થાન પર છે અને આ બંને ટીમોના 10-10 પૉઈન્ટ છે.


સનરાઇઝર્સ હૈદરાબાદ અંતિમ સ્થાન પર પહોંચ્યું - 
દિલ્હીની આરસીબી સામે શાનદાર જીત બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ પૉઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર પહોંચી ગયુ છે. હૈદરાબાદ અત્યાર સુધી 9 મેચમાંથી માત્ર 3 જ જીતવામાં સફળ રહ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અત્યારે 10 મેચમાં 8 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં 8મા સ્થાન પર છે.