LSG vs GT Match Facts: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ગુજરાત ટાઇસન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. આજની મેચમાં ફરી એકવાર પંડ્યા બ્રધર્સ આમને સામને ટકરાશે, આ વખતે બન્ને ટીમોની કેપ્ટનશીપ ગુજરાતી ઓલરાઉન્ડર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના હાથમાં છે. આજે ડબલ હેડર મેચ રમાશે જેમાં પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. આ મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. આજની બીજી મેચમાં રાજસ્થાન રૉયલ્સની ટક્કર સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સામે થશે. આ મેચ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. જોકે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચમાં બંને ભાઇઓ વચ્ચે રોચક કેપ્ટન જંગ જોવા મળશે.
પંડ્યા બ્રધર્સ આમને સામને -
ખરેખરમાં, ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે. તો વળી, લખનઉ સુપર જાયન્ટ્સેની કમાન કૃણાલ પંડ્યાના હાથમાં છે, કેમ કે ટીમનો રેગ્યૂલર કેપ્ટન KL રાહુલની ઈજાના કારણે હાલમાં બહાર છે. આમ આજની મેચમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા વચ્ચે રોચક જંગ જામશે. આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે કે, જ્યારે બે ભાઈઓ કેપ્ટન તરીકે એકબીજા સામે મેદાનમાં ઉતરશે. જોકે, પંડ્યા ભાઈમાં કોણ જીતશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ તે ચોક્કસ છે કે ફેન્સને આ ટક્કર જોવી ખુબ પસંદ આવશે.
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની રેસમાં છે આગળ -
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઇટન્સની ટીમ 10 મેચમાં 14 પૉઈન્ટ સાથે ટોપ પર છે. વળી, મુંબઈ ઈન્ડિયન્સ સામેની જીત બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 11 મેચમાં 13 પૉઈન્ટ થઈ ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. અત્યારે લખનઉ જાયન્ટ્સ ત્રીજા નંબર પર છે. લખનઉ સુપર જાયન્ટ્સના 10 મેચમાં 11 પૉઇન્ટ છે. આ ઉપરાંત રાજસ્થાન રૉયલ્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ અનુક્રમે ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે છે. જોકે, રાજસ્થાન રૉયલ્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ પાસે 10-10 પૉઇન્ટ છે.