IPL 2023: આઇપીએલ 2023ની સિઝન શરૂ થઇ ચૂકી છે, હવે આ સિઝનની સાથે સાથે ફેન્સ માટે એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની આ સિઝનમાં મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન આઇપીએલની આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે, વિલિયમસનને ઘૂંટણની ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થવુ પડ્યુ છે. 


ખરેખરમાં, IPLની શરૂઆત શુક્રવારે (31 માર્ચ) એક ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી. આ પછી, સિઝનની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. કેન વિલિયમસન આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થવુ પડ્યુ છે. નોંધનીય છે કે, ગુજરાત ફ્રેન્ચાઈઝીએ 2023ની મિની ઓક્શનમાં વિલિયમસનને 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.


આ રીતે થયો હતો કેન વિલિયમસન ઇજાગ્રસ્ત  - 
ગુજરાત અને ચેન્નાઇની મેચ દરમિયાન આ ઘટના મેચની ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં ઘટી હતી. આ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે એરિયલ શૉટ ફટકાર્યો હતો, જેના પર વિલિયમસને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં કૂદકો મારવા છતાં વિલિયમસન કેચ તો ના લઈ શક્યો, પરંતુ ટીમ માટે અમુક રન ચોક્કસ બચાવ્યા. પરંતુ આ દરમિયાન વિલિયમસનના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની જગ્યાએ સાઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. સુદર્શન પણ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરતો હતો. હવે આ ઈજાના કારણે વિલિયમસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.