IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રૉયલ્સને 6 વિકેટે હરાવી દીધુ હતુ. આ મેચમાં રોહિત શર્માની ટીમને મેચ જીતવા માટે 213 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. મુંબઇએ લક્ષ્યનો પીછો કરતાં માત્ર 19.3 ઓવરમાં 4 વિકેટો ગુમાવીને 214 રન બનાવી લીધા હતા, આ સાથે જ મેચ જીતી લીધી હતી. ખાસ વાત છે કે, આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સના 8 પૉઈન્ટ થઈ ગયા છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે 4 મેચ જીતી છે, અને અન્ય 4 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સ પૉઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર પહોંચી ગઈ છે. 


હવે કેટલું બદલાયુ પૉઇન્ટ ટેબલ ?
મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ રાજસ્થાન રૉયલ્સ પૉઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે ખસકી ગઇ છે. વળી, લખનઉ સુપર જાયન્ટ્સ આ લિસ્ટમાં બીજા નંબર છે, જોકે હાલમાં હાર્દિકની ટીમ ગુજરાત ટાઇટન્સ નંબર વન પર યથાવત છે. ગુજરાત ટાઇટન્સના 8 મેચમાં 12 પૉઈન્ટ છે. આ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની ટીમો અનુક્રમે ચોથા અને પાંચમાં નંબરે છે. લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રૉયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ 10-10 પૉઈન્ટ સાથે આ લિસ્ટમાં સામેલ છે.


પૉઇન્ટ ટેબલમાં બાકીની ટીમો ક્યા છે ?
નીતિશ રાણાની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ પૉઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે, અને સનરાઇઝર્સ હૈદરાબાદ નવમા નંબરે છે. વળી, દિલ્હી કેપિટલ્સની ટીમ આ લિસ્ટમાં છેલ્લા સ્થાને પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સના 9 મેચમાં 6 પૉઈન્ટ છે. આ ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદના 8 મેચમાં 6 પૉઈન્ટ છે. ડેવિડ વૉર્નરની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સની ટીમ પાસે 8 મેચમાં 4 પૉઈન્ટ છે. જોકે, ગુજરાત ટાઇટન્સ સિવાય લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો IPL 2023 સિઝનની ટોપ-4 ટીમોમાં સામેલ થઇ ગઇ છે.