Yashasvi Jaiswal IPL 2023 MI vs RR: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ગઇકાલે રમાયેલી 42મી મેચ યુવા ક્રિકેટર યશસ્વી જાયસ્વાલ માટે ઐતિહાસિક રહી. આઈપીએલની આ 1000મી મેચ હતી. જેમાં તેને આક્રમક બેટિંગ કરતા તોફાની સદી ફટકારી હતી. રાજસ્થાન રૉયલ્સ તરફથી યશસ્વી જાયસ્વાલે 62 બૉલમાં 124 રન બનાવ્યા હતા. જોકે તેમ છતાં રાજસ્થાન જીતી શક્યું નહીં. રાજસ્થાનને મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટે હરાવી દીધુ. આ મેચ બાદ યશસ્વી જાયસ્વાલને ચાર ઈનામ મળ્યા હતા. આ માટે તેને તગડી રકમ પણ મળી હતી.
યશસ્વી જાયસ્વાલને તેની ફાસ્ટ બેટિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે તેને એક લાખ રૂપિયા મળ્યા. તેને 'મૉસ્ટ વેલ્યૂએબલ એસેટ ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યો હતો. આ માટે 1 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેને 'બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ લૉન્ગેસ્ટ સિક્સ', 'ગેમચેન્જર ઓફ ધ મેચ' અને 'ઓન ધ ગૉ ફૉર્સ' માટે એવોર્ડ પણ મળ્યો હતો. આ રીતે તેને કુલ પાંચ પ્રકારના ઈનામો મળ્યા. તેની કુલ ઈનામી રકમ 5 લાખ રૂપિયા છે.
રાજસ્થાન મુંબઈ સામે પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું. આ દરમિયાન ટીમે 212 રન બનાવ્યા હતા. યશસ્વી ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેને 16 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમે 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યશસ્વી જાયસ્વાલનું અત્યાર સુધી IPL 2023માં પ્રદર્શન ખુબ સારુ રહ્યું છે. તે અત્યારે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જયસ્વાલે 9 મેચમાં 428 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. યશસ્વી જાયસ્વાલે આ સિઝનમાં 56 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા છે. ફાફ ડુ પ્લેસીસ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે છે. તેને 8 મેચમાં 422 રન બનાવ્યા છે. ડેવૉન કૉનવે ત્રીજા નંબરે છે. તેને 414 રન બનાવ્યા છે.