IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર મેચમાં ચેન્નઈએ 15 રનથી જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેચ જીત્યા બાદ ઘણો ખુશ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે આગામી સીઝન વિશે પણ મોટી હિંટ આપી હતી.






ધોનીએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે પહેલા 8 ટીમો હતી, હવે 10 છે. હું એમ નહીં કહું કે આ વધુ એક ફાઈનલ છે. બે મહિનાની મહેનત છે. દરેકે સહયોગ આપ્યો છે. હા, મિડલ ઓર્ડરને પૂરતી તકો મળી નથી. ગુજરાત એક સારી ટીમ છે અને તેઓએ સારો પીછો કર્યો છે. પરંતુ ટોસ હારવો સારું રહ્યું હતું.






ચેન્નઈના કેપ્ટને વધુમાં કહ્યું હતું કે જો જાડેજાને એવી પરિસ્થિતિઓ મળે છે જે તેને મદદ કરે છે, તો તેની સામે રમવું મુશ્કેલ બને છે. તેની બોલિંગે મેચનું પરિણામ બદલી નાખ્યું. મોઈન અલી સાથેની તેની ભાગીદારીને પણ ભૂલવી ન જોઈએ. ઝડપી બોલરની તાકાત શું છે તે જાણવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તેમને આત્મવિશ્વાસ આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તેમને શક્ય તેટલું પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.






ધોનીએ આગળ કહ્યું હતું કે  “તમે પિચ જુઓ છો અને તે પ્રમાણે ફિલ્ડિંગ સેટ કરો છો. હું ખૂબ જ પરેશાન કરનારો કેપ્ટન હોઇ શકું છુ, હું ફિલ્ડરોને 2-3 ફૂટ સુધી ખસેડતો રહું છું. હું માત્ર ફિલ્ડરોને મારા પર નજર રાખવાની વિનંતી કરું છું. , જો કેચ છૂટી જાય છે તો મારા તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં આવે, ફક્ત મારા પર નજર રાખો.


આગામી સીઝનમાં રમવા પર ધોનીએ કહ્યું હતું કે  મને ખબર નથી. મારી પાસે નિર્ણય લેવા માટે 8-9 મહિનાનો સમય છે. હું હંમેશા CSK માટે હાજર રહીશ, પછી તે મેદાન પર રમી રહ્યો હાઉ કે બહાર બેઠો હોઉ.