IPL 2023 VIDEO: ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની સિઝન 16ની ફાઇનલ મેચ રમાઇ, આ મેચમાં ચેન્નાઇએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ગુજરાત ટાઇટન્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાતની ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં 4 વિકેટના નુકશાને 214 રન બનાવ્યા હતા, જવાબમાં ધોનીની આગેવાની વાળી ટીમને વરસાદ નડ્યો અને બાદમાં ડકવર્થ લૂઇસન નિયમ પ્રમાણે ટીમને જીતવા માટે 15 ઓવરમાં 171 રનોનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, આ મેચ છેલ્લા બૉલ સુધી ગઇ અને છેલ્લા બૉલ પર રવિન્દ્ર જાડેજાએ વિનિંગ ફૉર ફટકારીને મેચ જીતાડી દીધી હતી. આ જીત સાથે ધોનીની ટીમે આઇપીએલમાં પાંચમી વાર ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે એક વીડિયોએ બધાની દિલ જીતી લીધા છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ આ મેચ બાદ પતિ જાડેજાના પગે પડ્યા અને બાદમાં જાડેજા રિવાબાને ગળે મળ્યો હતો. આ વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જુઓ..... 


સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, ચેન્નાઈની જીત બાદ રિવાબા દોડતા દોડતા મેદાન પર પતિ રવિન્દ્ર જાડેજા પાસે પહોંચે છે અને પહેલા તેના પગને સ્પર્શ કરે છે, ત્યારબાદ તેની દીકરી પણ તેની પાસે આવે છે. આ પછી રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને ગળે મળે છે.






આ વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લાખોની સંખ્યામાં આના પર લાઇક્સ અને કૉમેન્ટ્સ આવી રહી છે. સોશ્યલ મીડિયા યૂઝર્સ તેને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રહ્યા છે.


જાડેજા બન્યો જીતનો હીરો -  
ખાસ વાત છે કે છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર જ્યારે જાડેજાએ વિનિંગ ફૉર ફટકારી તે પછી તે સીધો જ જીતની ખુશીમાં ડગઆઉટ તરફ દોડ્યો હતો, અને ત્યાં ઉભેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ગળે લગાવીને ઉંચકી લીધો હતો. જાડેજાના પત્ની રિવાબા પણ સ્ટેડિયમમાં હાજર હતા. જાડેજાએ વિનિંગ ફોર ફટકારતા જ તે ભાવુક થઈ ગયો હતો અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. આ પછી તે મેદાન પર આવી અને જાડેજાને ગળે લગાવ્યા હતા. હાલ તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.


 






-