CSK vs GT, IPL 2023: આઇપીએલની 16મી સિઝનનું સમાપન થઇ ચૂક્યુ છે. ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે ફાઇનલમાં પરચમ લહેરવ્યો છે, અને પાંચમી વાર આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ધોનીની ટીમે હાર્દિકની ગુજરાત ટાઇટન્સને ફાઇનલ મેચમાં પાંચ વિકેટે હાર આપી અને સાથે જ ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. પરંતુ આ મેચ બાદ કેટલાક ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વિનિંગ શૉટ ફટકરનારા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા પણ ભાવુક થયેલા દેખાયા, રિવાબાની આંખોમાં આંસુ છલકી ગયા હતા. જોકે, આ બધાની વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર બેટ્સમેન અંબાતી રાયુડુની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. 


અંબાતી રાયુડુ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો - 
ફાઇનલ મેચમાં જીત બાદ ધોનીનો સાથી અને ચેન્નાઇ સુપર કિંગ્સનો મેઇન બેટ્સમેન અંબાતી રાયુડુ ભાવક થઇ ગયો હતો, અને એક સમયે ધ્રૂસકે ને ધ્રૂસકે રડતો દેખાયો હતો. ખાસ વાત છે કે અંબાતી રાયુડુની રડતી તસવીરો કેમેરામાં કેદ થઇ ગઇ હતી. અંબાતી રાયુડુની આ છેલ્લી આઇપીએલ મેચ હતી, આ વાતને લઇને રાયડુ ખુબ જ ભાવુક થઇ ગયો હતો, અને આનાથી મોટી વિદાય ક્યાંય ના મળી શકે, તે વાતને લઇને તે ખુબ જ રડવા લાગ્યો હતો. ખાસ વાત છે કે, તેને આઇપીએલ ફાઇનલ પહેલા જ સન્યાસની જાહેરાત કરી દીધી હતી. હવે મેદાન પર અંબાતી રાયુડુ નહીં જોવા મળે, ધોની પણ અંબાતી રાયુડુને સન્માન સાથે વિદાય આપી હતી.






IPL 2023: પણ ધોનીએ હાથમાં ના લીધી આઇપીએલ ટ્રોફી- 
ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં જીત મેળવ્યા બાદ ધોનીની ટીમે જશ્ન મનાવવાનો શરૂ કરી દીધો હતો, પરંતુ જ્યારે ટ્રૉફી એનાયત કરવામાં આવી તે સમયે ધોનીએ ટ્રૉફી ના ઉઠાવીને રાયડુ અને જાડેજાને આગળ કર્યા હતા. આની પાછળનું ખાસ કારણ છે કે, રાયડુ આઇપીએલની પોતાની છેલ્લી મેચ રમી રહ્યો હતો, તેને અગાઉથી જ આઇપીએલમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી, જેથી તેના હાથમાં ટ્રૉફી થમાવવામાં આવી હતી. આ ઉપરાંત બીજી બાજુ રવિન્દ્ર જાડેજાએ પણ ટ્રૉફી ઉપાડી હતી, કારણ કે જાડેજાએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, અને બન્ને ટીમો વચ્ચે ફંસાયેલી મેચમાં વિનિંગ શૉટ ફટકારીને ધોનીને પાંચમીવાર ચેમ્પીયન કેપ્ટન બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ તમામ કારણોસર ટીમની આ વિજયનો શ્રેય રવિન્દ્ર જાડેજા અને અન્ય ખેલાડીઓને નામે કરવા માટે સીનિયર એમ.એસ ધોનીએ IPLની ટ્રૉફીને પોતાના હાથમાં પણ ન લીધી. IPLની ટ્રૉફી રાયુડુ અને જાડેજાએ પોતાના હસ્તે સ્વીકારી અને ધોનીએ બાજુમાં ઊભા રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. છેલ્લે તમામ ખેલાડીઓ મંચ પર આવી ગયાં અને હર્ષોલ્લાસથી ટ્રૉફી સ્વીકારીને જશ્ન મનાવવા લાગ્યા હતા. 


મેચની હાઇલાઇટ્સ - 
ગઇકાલે IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ રમાઇ, આ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઇ, વરસાદના વિઘ્નના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સેને DLS પદ્ધતિ - નિયમ પ્રમાણે, 15 ઓવરમાં જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જોકે, ગુજરાતની ટીમે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતાં 214 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બૉલ પર જીતવા માટે જરૂરી ચાર રન બનાવીને ચેન્નાઈ સુપર કિંગ્સને વિજેતા બનાવ્યું હતું. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પાંચમી વખત વિજેતા બનવામાં સફળ રહી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શૉટ ફટકાર્યો અને ટીમ જીતી તે સમયે સ્ટેડિયમમાં બેઠેલા તેમના પત્ની રિવાબા જાડેજાની આંખમાં આસું આવી ગયા હતા. આના દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા. છેલ્લી ઓવર જોઈએ તો મોહિત શર્માએ 15મી ઓવર ફેંકી હતી. આ સમયે ચેન્નાઈના શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતા. મોહિતના પહેલા બૉલ પર કોઈ રન મળ્યો ન હતો. ત્યાર બાદ બીજા, ત્રીજા અને ચોથા બૉલ પર 1-1 રન મળ્યા હતા. હવે સ્ટ્રાઈક પર રવિન્દ્ર જાડેજા હતો. પાંચમા બૉલે જાડેજાએ સિક્સ ફટકારી હતી અને મેદાનમાં ચેન્નાઈના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. સૌ કોઈને લાગવા માંડ્યું હતું કે ચેન્નાઈની જીત નિશ્ચિત છે. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બૉલે વિનિંગ ફૉર ફટકારીને ચેન્નાઈને જીતાડી દીધુ.