DC vs LSG Vipraj Nigam: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની દરેક સિઝનમાં ઘણા નવા ખેલાડીઓ પોતાની પ્રતિભાથી સૌને પ્રભાવિત કરે છે. IPL 2025માં પણ આવું જ કંઈક જોવા મળ્યું, જ્યારે દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચમાં 20 વર્ષીય યુવા ખેલાડીને તક આપી અને તેણે તરત જ પોતાની છાપ છોડી દીધી. ઉત્તર પ્રદેશના આ લેગ સ્પિન ઓલરાઉન્ડરે માત્ર પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી એટલું જ નહીં, પરંતુ બેટિંગમાં પણ ધમાકેદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીનું નામ છે વિપ્રરાજ નિગમ.
સોમવાર, 24 માર્ચના રોજ દિલ્હી કેપિટલ્સે પોતાની નવી સિઝનની પ્રથમ મેચમાં 20 વર્ષીય યુવા લેગ સ્પિન-ઓલરાઉન્ડર વિપ્રરાજ નિગમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો. અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મિચેલ સ્ટાર્ક અને ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા ખેલાડીઓની વચ્ચે વિપ્રરાજ નિગમનું નામ જોઈને ઘણા ચાહકોને આશ્ચર્ય થયું કે આ કોણ છે જેના પર દિલ્હી કેપિટલ્સે સિઝનની પહેલી જ મેચમાં આટલો વિશ્વાસ મૂક્યો છે.
વાસ્તવમાં વિપ્રરાજ નિગમ ઉત્તર પ્રદેશની ક્રિકેટ ટીમનો ભાગ છે અને તે ગત વર્ષે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં રમ્યો હતો. આ સિવાય તેણે રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં લખનૌ માટે કેટલીક મેચો પણ રમી છે. પરંતુ આ લેગ સ્પિનરે ખાસ કરીને મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની ઓળખ બનાવી, જ્યાં તેણે પોતાની ચુસ્ત બોલિંગની સાથે બેટથી પણ ટૂંકી પરંતુ તોફાની ઇનિંગ્સ રમીને ટીમને ઘણી વખત મદદ કરી હતી. ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પણ તેણે આવું જ પ્રદર્શન કર્યું હતું.
આંધ્ર પ્રદેશ સામેની તે મેચમાં ઉત્તર પ્રદેશને છેલ્લી 4 ઓવરમાં 48 રનની જરૂર હતી. આવા સમયે વિપ્રરાજ ક્રિઝ પર આવ્યો અને તેની સાથે કેપ્ટન રિંકુ સિંહ હતો. રિંકુ સિંહે એક સિક્સર ફટકારી, પરંતુ ત્યારબાદ જે કંઈ પણ થયું તે વિપ્રરાજના બેટથી થયું. તેણે એક પછી એક 3 વિસ્ફોટક છગ્ગા ફટકાર્યા અને માત્ર 8 બોલમાં 27 રન બનાવ્યા, જેના કારણે ટીમ માત્ર 1 ઓવરમાં જ જીતી ગઈ. આ પહેલા બોલિંગમાં પણ વિપ્રજે કમાલ કરી હતી અને 20 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
જો કે, મુશ્તાક અલી ટ્રોફીની આ સિદ્ધિ પહેલા જ દિલ્હી કેપિટલ્સે વિપ્રરાજની પ્રતિભાને ઓળખી લીધી હતી. આ જ કારણથી દિલ્હીએ મેગા ઓક્શનમાં આ ખેલાડી માટે 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. ત્યારબાદ સિઝનની પહેલી જ મેચમાં ટીમે તેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપીને તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિપ્રજે પણ ટીમને નિરાશ ન કરી અને પોતાની પહેલી જ IPL ઓવરમાં લખનૌના ઓપનર એડન માર્કરામની મહત્વની વિકેટ ઝડપી. એટલું જ નહીં, તે પોતાની બીજી ઓવરમાં નિકોલસ પૂરનની વિકેટ પણ મેળવી શક્યો હોત, પરંતુ એક આસાન કેચ છૂટી ગયો હતો. આમ છતાં, વિપ્રજે પોતાની ડેબ્યૂ મેચમાં બોલિંગ અને બેટિંગ બંનેથી પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે, જેનાથી દિલ્હી કેપિટલ્સને એક નવો અને પ્રતિભાશાળી ઓલરાઉન્ડર મળ્યો છે.