SRH vs GT full match: ગુજરાત ટાઇટન્સે IPL 2025માં શાનદાર ફોર્મ જાળવી રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદને તેમના હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતની આ સિઝનમાં સતત ત્રીજી જીત છે, જ્યારે હૈદરાબાદને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતની આ જીતના હીરો કેપ્ટન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રહ્યા હતા.
ઉપ્પલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 152 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 બોલ બાકી રહેતા માત્ર 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી લીધો હતો.
153 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની શરૂઆત સારી રહી નહોતી. ફોર્મમાં રહેલા સાઈ સુદર્શન માત્ર 5 રન બનાવીને અને જોસ બટલર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. જેના કારણે ગુજરાતે 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ થોડી રોમાંચક બની હતી.
જોકે, ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદરે શાનદાર ભાગીદારી નોંધાવી મેચનો પલટો મારી દીધો હતો. બંને બેટ્સમેનો વચ્ચે 90 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેણે ગુજરાતને જીતની નજીક પહોંચાડી દીધું હતું. સુંદર 49 રનના સ્કોર પર વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો, પરંતુ શુભમન ગિલ શરૂઆતથી અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો અને તેણે અણનમ 61 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. સુંદરના આઉટ થયા બાદ શેરફાન રધરફોર્ડે પણ 16 બોલમાં 35 રનની ઝડપી ઇનિંગ રમીને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી હતી.
સનરાઇઝર્સના 152 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં સાઈ સુદર્શન 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જોસ બટલર પણ ચોથી ઓવરમાં સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન કેપ્ટન શુભમન ગિલે લીડ જાળવી રાખી અને વોશિંગ્ટન સુંદરની સાથે મળીને 13 ઓવરમાં ટીમના સ્કોરને 100 રનથી આગળ લઈ ગયો. આ ઓવરમાં ગિલ 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. આગામી ઓવરમાં, વોશિંગ્ટન સુંદર પાસે તેની અડધી સદી પૂરી કરવાની તક હતી પરંતુ શમી પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. સુંદર તેની અડધી સદીથી એક રન દૂર રહ્યો હતો. તેણે 29 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 49 રનની ઇનિંગ રમી હતી. ગિલ અને સુંદર વચ્ચે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી.
આ પહેલા ગુજરાતની જીતનો પાયો મોહમ્મદ સિરાજે નાખ્યો હતો. તેણે હૈદરાબાદના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા અને પોતાની 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. સિરાજે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, અનિકેત વર્મા અને સિમરજીત સિંહને આઉટ કર્યા હતા. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણા અને સાંઈ કિશોરે પણ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. આમ, ગુજરાત ટાઇટન્સે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને હૈદરાબાદને કારમી હાર આપી હતી.