Kamindu Mendis both-hand bowling: IPL 2025 માં ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી મેચમાં એક અનોખો ખેલાડી જોવા મળ્યો, જે પોતાની અદ્ભુત પ્રતિભાથી સૌને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદને એવો પ્રતિભાશાળી ખેલાડી મળ્યો છે જે બંને હાથે બોલિંગ કરી શકે છે અને તેનું નામ છે કામિન્દુ મેન્ડિસ.

IPL દર વર્ષે નવી અને અદ્ભુત પ્રતિભાઓને દુનિયા સમક્ષ લાવે છે. આ વખતે IPL 2025 માં સનરાઇઝર્સ હૈદરાબાદના શ્રીલંકાના ખેલાડી કામિન્દુ મેન્ડિસ પોતાની બંને હાથ વડે બોલિંગ કરવાની ક્ષમતાને કારણે ચર્ચામાં છે. ગુરુવારે KKR સામેની મેચમાં કામિન્દુ મેન્ડિસે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું અને પોતાની આ ખાસિયતનો પરિચય કરાવ્યો. તેણે એક જ મેચની એક જ ઓવરમાં બે અલગ-અલગ રીતે બોલિંગ કરીને ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું.

આ ઘટના કોલકાતાની ઇનિંગ્સની 12મી ઓવર દરમિયાન બની, જ્યારે કામિન્દુ મેન્ડિસ બોલિંગ કરવા આવ્યો હતો. ક્રિઝ પર KKR તરફથી અંગક્રિશ રઘુવંશી અને વેંકટેશ અય્યર હાજર હતા. જ્યારે રઘુવંશી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મેન્ડિસે ડાબા હાથે બોલિંગ શરૂ કરી. પરંતુ જેવો જ વેંકટેશ અય્યર સ્ટ્રાઇકિંગ એન્ડ પર આવ્યો, મેન્ડિસે તરત જ પોતાનો બોલિંગનો હાથ બદલી નાખ્યો અને જમણા હાથે બોલિંગ કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા.

કામિન્દુ મેન્ડિસે આ પહેલા પણ પોતાની આ પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી T20 સિરીઝ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયા સામેની મેચમાં સૂર્યકુમાર યાદવને ડાબા હાથે બોલિંગ કરી હતી, જ્યારે રિંકુ સિંહ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે જમણા હાથે બોલિંગ કરી હતી.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નિયમો અનુસાર, જો કોઈ બોલર બંને હાથે બોલિંગ કરવા ઇચ્છે તો તેણે પહેલા અમ્પાયરને તેની જાણ કરવી પડે છે. આ ઉપરાંત, જે બેટ્સમેન સ્ટ્રાઈકીંગ એન્ડ પર હોય તેને પણ ખબર હોવી જોઈએ કે બોલર કયા હાથથી બોલિંગ કરવા જઈ રહ્યો છે. જો બોલર અમ્પાયરને જાણ કર્યા વિના બીજા હાથથી બોલિંગ કરે છે, તો તે બોલને નો-બોલ જાહેર કરવામાં આવે છે.

કામિન્દુ મેન્ડિસની આ અનોખી બોલિંગ શૈલીએ તેને આધુનિક જમાનાનો 'બ્રેડમેન' બનાવી દીધો છે, જે બેટિંગની સાથે સાથે બંને હાથે બોલિંગ કરવામાં પણ સક્ષમ છે. IPL માં તેની આ પ્રતિભા કેટલો રંગ લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.