IPL 2025 new schedule: ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે! ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની બાકી રહેલી મેચોનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જાહેરાત કરી છે કે IPL ૨૦૨૫ની બાકીની મેચો ૧૭ મે, ૨૦૨૫થી ફરી શરૂ થશે, અને ટાઇટલ મુકાબલો હવે જૂનમાં યોજાશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે IPL ૨૦૨૫ના સુધારેલા સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ૨૫ મેના રોજ યોજાનારી ફાઇનલ મેચ હવે ૩ જૂન, ૨૦૨૫ના રોજ રમાશે. કુલ ૧૭ મેચો ૬ અલગ-અલગ મેદાનો પર આયોજિત થશે.

BCCI એ જણાવ્યું કે, સરકાર, સુરક્ષા એજન્સીઓ અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શ કર્યા બાદ બોર્ડે બાકીની સિઝન સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. ૧૭ મે, ૨૦૨૫ થી શરૂ થતી આ મેચો ૩ જૂન, ૨૦૨૫ ના રોજ ફાઇનલ સાથે સમાપ્ત થશે.

સુધારેલા સમયપત્રકમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, જે બે રવિવારે રમાશે. પ્લેઓફ મેચોનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે:

  • ક્વોલિફાયર ૧: ૨૯ મે
  • એલિમિનેટર: ૩૦ મે
  • ક્વોલિફાયર ૨: ૧ જૂન
  • ફાઇનલ: ૩ જૂન

જોકે, પ્લેઓફ મેચો માટેના સ્થળની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.

BCCI એ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને સ્થિતિસ્થાપકતાને સલામ કરી છે, જેમના પ્રયાસોથી ક્રિકેટનું સુરક્ષિત પુનરાગમન શક્ય બન્યું છે. બોર્ડે લીગની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય હિત પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પણ પુનરાવર્તિત કરી છે. આ જાહેરાતથી IPL ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યું

૮ મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રમાઈ રહી હતી, જે સુરક્ષાના કારણોસર રદ કરવામાં આવી હતી. ત્યારબાદ તરત જ BCCI એ ખુલાસો કર્યો કે ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી રહી છે.