PBKS vs RR IPL 2025 highlights: IPL 2025ની 18મી મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સને 50 રનથી પરાજય આપ્યો છે. આ મેચ પંજાબ કિંગ્સની આ સિઝનની પ્રથમ હાર છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 205 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં પંજાબની ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 155 રન જ બનાવી શકી હતી.

મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે 67 રનની મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી હતી, જ્યારે રિયાન પરાગે પણ 43 રનની તોફાની ઇનિંગ રમીને ટીમના સ્કોરને મજબૂતી આપી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સ માટે નેહલ વાઢેરાએ લડાયક 62 રન બનાવ્યા હતા, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યર આ મેચમાં ફ્લોપ રહ્યો હતો.

206 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ઇનિંગના પહેલા જ બોલ પર પ્રિયાંશ આર્યને ક્લીન બોલ્ડ કરીને પંજાબને મોટો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ બેટિંગમાં આવેલા કેપ્ટન શ્રેયસ અય્યરે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આર્ચરે પોતાની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર અય્યરને પણ ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

પંજાબની મુશ્કેલીઓ અહીં જ પૂરી નહોતી થઈ. પ્રભસિમરન સિંહ પણ માત્ર 17 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ટીમની મોટી આશા માર્કસ સ્ટોઈનિસ પણ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ જતા પંજાબની હાલત કફોડી બની ગઈ હતી. માત્ર 43 રનના સ્કોર પર પંજાબે પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.

જો કે, ત્યારબાદ નેહલ વાઢેરા અને ગ્લેન મેક્સવેલે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને બંનેએ મળીને 78 રનની ભાગીદારી નોંધાવીને પંજાબની જીતની આશા જગાવી હતી. પરંતુ આ બંને બેટ્સમેનો બે બોલના ગાળામાં પોતાની વિકેટ ગુમાવી દેતા પંજાબ ફરી મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. વાઢેરાએ 62 રન બનાવ્યા હતા, જ્યારે મેક્સવેલના ખાતામાં 30 રન નોંધાયા હતા.

IPL 2025માં પંજાબ કિંગ્સે અત્યાર સુધી પોતાની બંને મેચોમાં શાનદાર જીત મેળવી હતી. પ્રથમ મેચમાં તેણે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી પરાજય આપ્યો હતો. રાજસ્થાન રોયલ્સને હરાવીને પંજાબની ટીમ જીતની હેટ્રિક નોંધાવી શકી હોત, પરંતુ જોફ્રા આર્ચર અને સંદીપ શર્માની ઘાતક બોલિંગ સામે પંજાબના બેટ્સમેનો ટકી શક્યા નહીં અને ટીમને 50 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.