IPL 2025 replacement rules: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે એક અઠવાડિયા માટે સ્થગિત કરાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ આગામી ૧૭ મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. જોકે, ટૂર્નામેન્ટના પુનઃપ્રારંભ પહેલા જ BCCI દ્વારા લાગુ કરાયેલા એક નવા નિયમે તમામ ૧૦ ટીમોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ નવો નિયમ ખાસ કરીને રિપ્લેસમેન્ટ ખેલાડીઓ અંગેનો છે.

IPL ૨૦૨૫ અચાનક સ્થગિત થવાને કારણે મોટાભાગના વિદેશી ખેલાડીઓ સુરક્ષાના કારણોસર પોતપોતાના દેશોમાં પરત ફર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત શેડ્યૂલને જોતાં, હવે જ્યારે ટૂર્નામેન્ટ ફરી શરૂ થઈ રહી છે, ત્યારે કેટલાક ખેલાડીઓ બાકીની મેચો રમવા માટે પરત ફરશે જ્યારે કેટલાક ઉપલબ્ધ નહીં રહે. આવી સ્થિતિમાં, ટીમોને નવા ખેલાડીઓને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવા પડશે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા રિપ્લેસમેન્ટ અંગે એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે.

રિપ્લેસમેન્ટનો નવો નિયમ શું કહે છે?

IPL ૨૦૨૫ માં રિપ્લેસમેન્ટ તરીકે લાવવામાં આવેલા ખેલાડીઓ અંગેનો નવો નિયમ એ છે કે, જે ખેલાડીઓને ટૂર્નામેન્ટના સસ્પેન્શન પછી રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવશે, તેમને ફ્રેન્ચાઇઝી આગામી સિઝન (IPL ૨૦૨૬) માં જાળવી (Retain) શકશે નહીં.

જોકે, IPL ૨૦૨૫ ના સસ્પેન્શન પહેલા BCCI દ્વારા મંજૂર કરાયેલા રિપ્લેસમેન્ટ ખેલાડીઓને ટીમો આગામી સિઝન માટે જાળવી શકે છે. આનો સીધો અર્થ એ થયો કે સસ્પેન્શન પછી જે ખેલાડીઓ રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં આવશે, તેમને આગામી સિઝનમાં ઓક્શન (હરાજી) માંથી જ પસાર થવું પડશે, ભલે ફ્રેન્ચાઇઝી તેમને જાળવી રાખવા માંગતી હોય.

ટીમો માટે મુશ્કેલી:

આ નવા નિયમને કારણે તમામ ૧૦ ફ્રેન્ચાઇઝી માટે મુશ્કેલી ઊભી થઈ છે. હવે તેઓ સસ્પેન્શન પછી રિપ્લેસમેન્ટ તરીકે આવનારા ખેલાડીઓને લાંબા ગાળાના વિકલ્પ તરીકે જોઈ શકશે નહીં, જે તેમની ટીમના નિર્માણ અને ભવિષ્યની રણનીતિને અસર કરશે. જે ખેલાડીઓ રિપ્લેસમેન્ટ તરીકે આવશે તેઓ પણ જાણતા હશે કે તેઓ આગામી સિઝન માટે ટીમના કાયમી સભ્ય બની શકશે નહીં.

કયા ખેલાડીઓની ઉપલબ્ધતા અનિશ્ચિત?

IPL ૨૦૨૫ ફરી શરૂ થવા જઈ રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઘણા વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતાનો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીને કારણે જોસ બટલર પ્લેઓફ મેચો ગુમાવી શકે છે. ગુજરાત ટાઇટન્સના કાગીસો રબાડા પણ WTC ફાઇનલના કારણે બાકીની મેચોમાંથી બહાર થઈ શકે છે. જોશ હેઝલવુડની ઉપલબ્ધતા પર પણ પ્રશ્નાર્થ છે, જ્યારે પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ બાકીની મેચો રમશે તેવી અપેક્ષા છે. માર્કો જેન્સન, વિલ જેક્સ અને મિશેલ સ્ટાર્ક જેવા મોટા નામોની ઉપલબ્ધતા પણ શંકાના દાયરામાં છે. લખનૌ સુપર જાયન્ટ્સના મુખ્ય ખેલાડીઓમાંના એક, એડન માર્કરામ પણ કદાચ બાકીની મેચો માટે ઉપલબ્ધ ન હોય.