બેંગલુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ગુરુવારે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેચમાં રાજસ્થાન રોયલ્સને 11 રને હરાવીને સીઝનમાં પ્રથમવાર ઘરઆંગણે જીત હાંસલ કરી હતી જેનું મુખ્ય કારણ જોશ હેઝલવુડ (4-33) નું શાનદાર બોલિંગ પ્રદર્શન હતું. RCB 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ પણ 12-12 પોઇન્ટ ધરાવે છે. રાજસ્થાન રોયલ્સની આ સતત પાંચમી હાર હતી.
અગાઉ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (70) અને દેવદત્ત પડ્ડિકલ (50) ની અડધી સદી અને આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 51 બોલમાં 95 રનની ભાગીદારીથી RCB એ પાંચ વિકેટે 205 રનનો સ્કોર બનાવ્યો હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 194 રન જ કરી શક્યું હતું. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ (49 રન), રિયાન પરાગ (22 રન), નીતીશ રાણા (28 રન), વૈભવ સૂર્યવંશી (16 રન) અને ધ્રુવ જુરેલે સારી બેટિંગ કરી હતી. પરંતુ હેઝલવુડે 17મી અને 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને RCBને જીત અપાવી હતી.
શું રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે?
23 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં આરસીબીથી ઉપર આવી ગયું હતું. પરંતુ 24 કલાકની અંદર RCB એ મુંબઇને પાછળ છોડી દીધું. છ જીત અને 12 પોઈન્ટ સાથે RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે જ્યારે મુંબઈ હવે ચોથા સ્થાને છે. આ સિવાય જો આપણે રાજસ્થાન રોયલ્સ વિશે વાત કરીએ તો તેઓ હજુ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. પણ અહીંથી રસ્તો ઘણો મુશ્કેલ બનતો જાય છે. 16 પોઈન્ટ મેળવ્યા પછી કોઈપણ ટીમનું પ્લેઓફમાં પહોંચવું નિશ્ચિત છે. પરંતુ RR હવે 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં.
તેઓ નવમાંથી સાત મેચ હારી ગયા છે ત્યારબાદ જો તેઓ બાકીની પાંચ મેચ જીતી લે તો પણ તેઓ ફક્ત 14 પોઈન્ટ સુધી પહોંચી શકશે. જોકે, આ પહેલા ઘણી ટીમો 14 પોઈન્ટ સાથે આઈપીએલ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જો RR તેની બધી મેચ જીતે તો જ તેમને પ્લેઓફમાં પ્રવેશવાની તક મળશે.