IPL 2025 schedule change: IPL 2025ની એક મેચની તારીખમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે આગામી ૬ એપ્રિલે યોજાનારી મેચ હવે ૮ એપ્રિલે રમાશે. BCCI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોલકાતા અને લખનૌ વચ્ચેની IPL 2025ની ૧૯મી મેચ હવે ૬ એપ્રિલના બદલે ૮ એપ્રિલે બપોરે ૩:૩૦ વાગ્યે રમાશે. તેમણે આ ફેરફારનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું.

શુક્રવારે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "કોલકાતા પોલીસે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળને રામ નવમીના અવસર પર શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલીક માંગણીઓ કરી હતી. આ જ માંગણીઓને ધ્યાનમાં રાખીને હવે કોલકાતા અને લખનૌ વચ્ચેની મેચ ૮ એપ્રિલે બપોરે ૩:૩૦ વાગ્યે રમાશે. IPL 2025ના બાકીના કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી."

આમ, કોલકાતા પોલીસની સુરક્ષા વ્યવસ્થાની માંગણીને પગલે BCCIએ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચની તારીખમાં ફેરફાર કરવો પડ્યો છે. હવે આ મેચ ૮ એપ્રિલે રમાશે અને બાકીનું IPL 2025નું શેડ્યૂલ યથાવત રહેશે.

BCCIનો નિર્ણય આવતા પહેલા સતત અટકળો અને અફવાઓ ચાલી રહી હતી કે આ મેચ કોલકાતાના બદલે ગુવાહાટીમાં રમાશે. પરંતુ બીસીસીઆઈ, બંગાળ ક્રિકેટ એસોસિએશન અને કોલકાતા સરકારે આવી અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મેચ કોલકાતામાં જ રમાશે. બીસીસીઆઈએ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન પોતાનો નિર્ણય જાહેર કર્યો અને કહ્યું કે મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પરંતુ 6 એપ્રિલ રવિવારના બદલે આ મેચ 8 એપ્રિલ મંગળવારના રોજ રમાશે. જો કે આ મેચ મંગળવારે બપોરે 3.30 કલાકે શરૂ થશે.

અગાઉ આ મેચ રવિવારે બપોરે 3.30 કલાકે રમાવાની હતી. પરંતુ હવે આ ફેરફારને કારણે 6 એપ્રિલના રવિવારે ડબલ હેડરને બદલે માત્ર એક જ મેચ રમાશે. પહેલાથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એકમાત્ર મેચ રમાશે.